સાઉથના આ એક્ટરની ફિલ્મે રિલીઝ પહેલા 240 કરોડની કમાણી કરી લીધી; જાણો શું છે સ્ટોરી

Updated: May 13th, 2024


Google NewsGoogle News
સાઉથના આ એક્ટરની ફિલ્મે રિલીઝ પહેલા 240 કરોડની કમાણી કરી લીધી; જાણો શું છે સ્ટોરી 1 - image


GOAT: ભારતના બોલીવૂડને કુબેરનો ભંડાર કહેવામાં આવે છે પરંતુ છેલ્લા એક દાયકામાં સાઉથની મૂવીએ સ્ટોરી, ફેમ, કલેક્શન મામલે બોલીવૂડને ભારે ધોબી પછાડ આપી છે. હવે સાઉથની મૂવીની આતુરતાથી રાહ જોવાતી હોય છે અને ત્યાંના ડાયરેક્ટર હવે હિન્દી વર્ઝન પણ શરૂઆતી ધોરણે જ રીલિઝ કરે છે. અહેવાલ અનુસાર સાઉથની એક મૂવીએ રીલિઝ પહેલાં જ 240 કરોડની કમાણી કરી લીધી છે અને આ મૂવી છે સાઉથ સુપર સ્ટાર થલાપતિની.

થલાપતિ વિજયે તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને પોતાના રાજકીય પક્ષની પણ જાહેરાત કરી છે. વિજય આગામી એકાદ વર્ષમાં પોતાની જાતને સંપૂર્ણપણે રાજકારણમાં સમર્પિત કરશે અને અભિનયમાંથી નિવૃત્તિ લેશે. આ મક્કમ માર્ગ પહેલા તે માત્ર બે જ ફિલ્મો કરવાના છે. થલાપતિ 69 (Thalapathy 69) તેમની છેલ્લી ફિલ્મ હશે. ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ એટલેકે GOAT તેમની છેલ્લેથી બીજી ફિલ્મ હોઈ શકે છે.

સપ્ટેમ્બરમાં આ મૂવી રિલીઝ કરવાનું આયોજન થઈ રહ્યું છે. જોકે હજુ આ અંતિમ ડેડલાઇન નથી. તેને આગળ ખસેડી પણ શકાય છે. વિજયે વેંકટ પ્રભુની આ ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ, થાઈલેન્ડ, હૈદરાબાદ અને શ્રીલંકામાં કર્યું છે. આ ફિલ્મને લઈને જોરદાર હાઈપ બનાવવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર ઝી નેટવર્ક્સે આ મૂવીની તમામ ભાષાઓના સેટેલાઇટ રાઇટ્સ 90 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. એક તરફ જ્યાં અનેક કલાકારોની ફિલ્મો 100 કરોડ રૂપિયા કમાવવા માટે ધમપછાડા કરતી હોય છે ત્યારે વિજયની ફિલ્મે માત્ર ટીવી રાઇટ્સમાંથી 90 કરોડ રૂપિયાની કમાણી કરી તે ખરેખર મોટી વાત છે.

આ ફિલ્મને OTTએ 150 કરોડમાં ખરીદી :

આ સિવાય એવા પણ સમાચાર છે કે તેના OTT રાઇટ્સ ટીવી રાઇટ્સ કરતા વધારે કિંમતે વેચાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Netflixએ GOATના OTT રાઇટ્સ 125 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે પરંતુ આ માત્ર તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓના રાઈટ્સ છે. નેટફ્લિક્સે હિન્દી માટે વિજયની ફિલ્મને અલગથી 25 કરોડ રૂપિયા આપ્યા છે. જો આ તમામને જોડવામાં આવે તો GOAT એ રિલીઝ પહેલા જ 240 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રિપોર્ટ્સ અનુસાર વિજય તેમાં ડબલ રોલ નિભાવવાનો છે. થોડા સમય પહેલા તેનું પણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં ખબર પડી હતી કે આ એક ડબલ રોલ ફિલ્મ હશે. આ પોસ્ટરમાં તે એક લુકમાં જુવાન અને બીજા લુકમાં વૃદ્ધ દેખાઈ રહ્યો છે. પોસ્ટર રિલીઝ થયા બાદ ઘણા લોકોએ તેને હોલિવૂડ ફિલ્મ 'જેમિની મેન'ની કોપી ગણાવી હતી પરંતુ નિર્દેશકે આ વાતને નકારી કાઢી હતી અને દર્શકોને મૂવીની રાહ જોવા કહ્યું હતુ.


Google NewsGoogle News