'તેરી બાતો મેં એસા ઉલઝા જીયા' દર્શકોને આવી પસંદ, કૃતિ-શાહિદની જોડીએ જીત્યું દિલ, દમદાર છે ફિલ્મનો ક્લાઇમેક્સ
હાલ દેશ-વિદેશ વેલેન્ટાઈનના રંગમાં રંગાયું છે. ભારતમાં પણ બોલિવૂડે રોમાન્સ કરતા શીખવ્યું છે. આ પ્રેમના સપ્તાહમાં રૂપેરી પડદે વધુ એક લવસ્ટોરી આવી છે પરંતુ આની ખાસિયત એ છે કે આ માણસ અને રોબોટની પ્રેમ કથા છે. શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં જીવનસાથીને પ્રેમભરી આંખોથી જોવું, દરેક સમયે તેની સાથે રહેવું અને તેના હોઠને વારંવાર ચુંબન કરવું. આ બધું તમે મૂવીમાં જુઓ ત્યારે તે ખૂબ જ સરસ અને સ્વપ્નશીલ લાગશે. આ એક ફની કોમેન્ટો સાથેની લવસ્ટોરી છે,જે તમને પકડી રાખશે.
શું છે ફિલ્મની સ્ટોરી ?
આ ફિલ્મની વાર્તા પણ સાવ અલગ છે. આ આર્યન અગ્નિહોત્રી (શાહિદ કપૂર) અને સિફરા (કૃતિ સેનન)ની વાર્તા છે. બંનેની પસંદ અને નાપસંદ એકબીજાને ખૂબ જ મળતી આવે છે, પરંતુ અન્ય બાબતોમાં તેઓ ખૂબ જ અલગ છે. શા માટે? કારણ કે આર્યન એક માનવ છે અને સિફરા અત્યંત બુદ્ધિશાળી રોબોટ છે. આર્યન મુંબઈમાં એક મોટી ઓફિસમાં કામ કરતો એક રોબોટિક્સ એન્જિનિયર છે. તે શાનદાર જીવન જીવતો હોય છે પરંતુ તેમાં માત્ર એક જીવનસાથી અને દાસીનો અભાવ છે. ઘરની કામવાળી બાઈ એટલેકે દાસી આર્યન પોતે જ પોતાના નખરા-ક્રોધાવેશથી દૂર કરે છે અને લાઈફ પાર્ટનર મળે તેવા તેના કોઈ નસીબ નથી પરંતુ તેની ઈમોશનલ માતા શર્મિલા (અનુભા ફતેહપુરિયા)એ તેના લગ્નના સ્વપન જોયા છે. તેથી આર્યતનને તેનાથી બચવું ખૂબ મુશ્કેલ છે.
જોકે આર્યન તેની કાકી ઉર્મિલા (ડિમ્પલ કાપડિયા)ની ખૂબ નજીક છે. તે તેમની કંપનીની બ્રાન્ચમાં જ કામ કરે છે. ઉર્મિલા તેને એક પ્રોજેક્ટ પર કામ કરવાના બહાને તેની યુએસ ઓફિસમાં બોલાવે છે. ત્યાં પહોંચ્યા પછી આર્યન ઉર્મિલાના ઘરે સિફરાને મળે છે. સિફરાના શબ્દો, તેના અભિવ્યક્તિઓ અને તેના સુંદર-શાનદાર હલનચલનને આર્યન પોતાનું દિલ આપી બેસે છે. બાદમાં તેને ખબર પડે છે કે સિફરા તો માણસ નથી પણ રોબોટ છે. હવે તેની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થાય છે પણ જો પ્રેમ તો થઈ ચૂક્યો છે, તેના પર કોનો અંકુશ? માત્ર ફીલિંગ્સના કારણે આર્યન સિફરાને ટેસ્ટિંગના બહાને ભારત લાવે છે અને તેની સાથે લગ્ન કરે છે. હવે સિફરા રોબોટ છે, કંઈક ગડબડ થવી નક્કી જ છે.
ડાયરેક્શન :
દિગ્દર્શક અમિત જોશી અને આરાધના શાહ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' એકદમ હળવી-મસ્તીની હાસ્ય રેલતી મૂવી છે. તેની વાર્તા તદ્દન અલગ અને રસપ્રદ છે. તેમાં ઘણા મજેદાર અને સારા જોક્સ આવે છે, જે તમારા મુખ પર સ્મિત રેલશે. ફિલ્મમાં VFXનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. અમિત અને આરાધનાનું ડિરેક્શન ઘણું સારું છે. જો તમે એકથી કંટાળી જાવ તો કોઈ અન્ય સીન તમને હસાવીને વ્યસ્ત કરી દે છે. હા, સ્ટોરી થોડી નોનસેન્સ લાગશે, પરંતુ મૂવીની પોતાની તમને અસર કરતી અને ઝકડી રાખતી ક્ષણો પણ છે. તમે સિફરા અંગે આર્યનના સંઘર્ષને સમજશો. પોતાની લાગણીઓ પર નિયંત્રણ નથી. તે તો માત્ર એક પ્રેમી પોતાના ટોક્સિક પાર્ટનર સાથેના પ્રેમમાં જે અન્ય કરે છે તે જ કરી રહ્યો છે – સત્યની અવગણના!
પરફોર્મન્સ :
શાહિદ કપૂરે આર્યનના રોલમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેનો મસ્તીભર્યો અને રોમેન્ટિક અવતાર દર્શકોને ગમશે. સિફરાના રોલમાં કૃતિ સેનન મજબૂત છે. લાગણીવિહીન રોબોટ બનવું સરળ નહોતું, પરંતુ તેણે આ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની કેમેસ્ટ્રી અદભૂત છે. બંને એકસાથે સુંદર રીતે ફિટ થાય છે. તેમનો રોમાન્સ જોઈને તમને રોમાન્સ કરવાનું મન થશે. આ ફિલ્મ વેલેન્ટાઈન વીક દરમિયાન જોવા માટે યોગ્ય છે. આ સિવાય ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા, રાકેશ બેદી, રાજેશ કુમાર, અનુભા ફતેહપુરિયા, આશિષ વર્મા, ગ્રુષા કપૂર અને રસુલ ટંડને તેમના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. દરેક વ્યક્તિ ફની અંદાજમાં જોવા મળે છે.
જોકે આ ફિલ્મમાં ઘણી ખામીઓ છે, જેને તમે ઇચ્છો તો પણ અવગણી નહિ શકો. રોમેન્ટિક કોમેડી ફિલ્મોમાં મોટાભાગે તમે લોજિક લાગુ કરવા માંગતા નથી. જો તમે 'તેરી બાત મેં ઐસા ઉલ્ઝા જિયા' જોશો તો તમને ચોક્કસથી ગમશે. ફિલ્મનો ક્લાઈમેક્સ સારો છે. તેના ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ સરસ છે પરંતુ સિંગર રાઘવના ઓરિજિનલ ગીત તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાને બગાડવા બદલ તમે ફિલ્મના નિર્માતાઓને જતા નહિ કરો.