ટેલિવિઝન એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા
- વૈશાલી ઠક્કરે પોતાની કારકિર્દીની શરૂઆત એન્કરિંગથી કરી હતી
ઈન્દોર, તા. 16 ઓક્ટોબર 2022, રવિવાર
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં ટીવી સીરિયલ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે કેસ દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે એમએસ હોસ્પિટલમાં મોકલી આપી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાંઈ બાગ કોલોનીનો છે. ઘણા વર્ષોથી ઈન્દોરમાં રહેતી ટીવી સિરિયલની એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના ઈન્દોરના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઠક્કરે તેના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી. આ સીરિયલમાં સંજનાનું પાત્ર ભજવ્યું હતું જેના કારણે તે ઘણી ફેમસ થઈ હતી. અત્યાર સુધીની તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે.
વર્ષ 2015માં તેને સ્ટાર પ્લસના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં સંજનાનું પાત્ર ભજવવાની તક મળી. આ ટેલિવિઝન શોથી તેને ઘણી ખ્યાતિ મળી હતી. આ શો બાદ તે યે વાદા રહા, યે હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક અને વિશ અને અમૃતમાં જોવા મળી હતી. સસુરાલ સિમર કામાં વૈશાલીનું સૌથી લોકપ્રિય પાત્ર અંજલિ ભારદ્વાજનું હતું જેના માટે તેને નેગેટિવમાં બેસ્ટ એક્ટ્રેસ માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ 2019માં વૈશાલી ટેલિવિઝન શો મનમોહિનીમાં જોવા મળી હતી જેમાં તેણે માનસીનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીએ ટેલિવિઝન સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વૈશાલી મૂળ ઉજ્જૈનના મહિધરપુરની છે.