ટેલર સ્વિફ્ટે મોટું મન બતાવ્યું, મહિલા ચાહકને 3.82 લાખની ડ્રેસ ગિફ્ટ કરી
Taylor Swift : હોલિવૂડની સૌથી યુવા અને બિલિયોનર ગાયિકા ટેલર સ્વિફ્ટે 12 ડિસેમ્બરના રોજ કેન્સાસ સિટી, મિસૌરીમાં ચિલ્ડ્રન્સ મર્સી હોસ્પિટલની મુલાકાત દરમિયાન એક યુવા પ્રશંસકને આશ્ચર્યચકિત કરી દીધી હતી. ટેલર સ્વિફ્ટ તેની ઉદારતા માટે જાણીતી છે, તેણે હોસ્પિટલના યુવા દર્દીઓ સાથે આખો દિવસ પસાર કર્યો હતો.
એક રિપોર્ટ પ્રમાણે એક વીડિયો જે હવે વાયરલ થઈ રહ્યો છે તે બતાવે છે કે, સ્વિફ્ટ નાયા નામની કિશોરવયની દર્દીને એરાસ ટૂર બૂક પર સિગ્નેચર કરી રહી છે. બન્નેએ આ દરમિયાન હળવી પળો વિતાવી હતી. આ દરમિયાન નાયાને સ્વિફ્ટના કપડાં ખૂબ પસંદ આવી જાય છે અને ગાયિકા સ્મિત સાથે જવાબ આપે છે કે તમારી સાથે દિવસ પસાર કરીને ખૂબ આનંદ થયો.
ટેલર સ્વિફ્ટે અંદાજિત 3.82 લાખ રૂપિયાનો ડ્રેસ ગિફ્ટ કર્યો
હવે આશ્ચર્યની વાત ત્યારે બની જ્યારે નાયાએ રવિવારના રોજ એક અન્ય વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેને પોપ સ્ટાર તરફથી મળેલી ખાસ ક્રિસમસ ગિફ્ટ બતાવી. ભેટમાં ટેલર સ્વિફ્ટે 4500 ડૉલર (અંદાજિત 3.82 લાખ) રૂપિયાનો ડ્રેસ ગિફ્ટ કર્યો હતો. આ સાથે સ્વિફ્ટે એક કાર્ડમાં સુંદર સંદેશો પણ મોકલ્યો હતો. નાયાએ પોતાની વીડિયોમાં કેપ્શન લખી કે, તે ખૂબ જ અદભૂત છે, હું ખૂબ જ ધન્ય છું, તમને ખૂબ પ્રેમ કરું છું ટેલર સ્વિફ્ટ... તમે સાચેજ ગ્રેટ છો.
4 કેન્સર પીડિત કિશોરને મદદ કરવા 10,000 ડૉલરનું દાન કર્યું
આ પહેલીવાર નથી જ્યારે ટેલર સ્વિફ્ટે પોતાની ઉદારતા બતાવી હોય, અગાઉ પણ તેણે 2019મા 4 કેન્સર પીડિત કિશોરને મદદ કરવા 10,000 ડૉલરનું દાન કર્યું હતું. ઉપરાંતે કેનેડામાં એક ચાહકને ટ્યુશન ફી ભરવા માટે 5000 ડૉલરની મદદ પણ કરી હતી.