વધુ એક સાઉથ સુપરસ્ટારની રાજકરણમાં થશે એન્ટ્રી! જાણો કેવી રીતે બનાવી શકાય પોતાની રાજકીય પાર્ટી
નવી મુંબઇ,તા. 31 જાન્યુઆરી 2024, બુધવાર
ભારતમાં આજકાલ બાળકોને શિક્ષણ આપવામાં આવે કે ન આવે પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકરણની સમજ તો સોંપવામાં આવી જ રહી છે. દેશના અનેક પ્રદેશોમાંથી રાજકારણીઓ ઉભા થઈને મોટા પડદે છવાઈ જાય છે. ખાસ કરીને સાઉથના એક્ટરોને રાજકરણમાં હાથ અજમાઇશનો ખાસ શોખ છે. શરૂઆતથી જ કઈંક નવું કરી છૂટવાની તમન્ના સાથે વધતા આ સાઉથ સુપરસ્ટારો રાજકરણના સમરાંગણમાં પણ મહત્વકાંક્ષા સાબિત કરવા તૈયાર જ હોય છે.
અત્યાર સુધીના ઈતિહાસમાં આપણે એમજી રામચંદ્રન, શિવાજી ગણેશન અને જયલલિતાથી લઈને કમલ હાસન, રજનીકાંત સુધી દક્ષિણની ફિલ્મોના ઘણા સુપરસ્ટાર રાજકારણમાં ઝંપલાવી ચૂક્યાં છે. હવે ચર્ચા છે કે તમિલનાડુના વધુ એક સુપરસ્ટાર થાલાપતિ વિજય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. આ માટે રાજકીય પક્ષ સ્થાપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ચૂંટણીપંચમાં નોંધણી પણ કરાવાશે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય પક્ષનું સ્વરૂપ નક્કી થઈ ગયું છે. રજિસ્ટ્રેશન પહેલા પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠક પણ યોજવામાં આવી છે, જેમાં 200 સભ્યોએ ભાગ લીધો હતો.
અહીં મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે રાજકીય પક્ષની રચના કેવી રીતે થાય છે ? તો ચાલો જાણીએ કે કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે, રાજકીય પક્ષો કેવી રીતે રજિસ્ટર્ડ થાય છે અને ચૂંટણી પ્રતીકો કેવી રીતે ફાળવવામાં આવે છે.
ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે?
સૌ પ્રથમ, આપણે જાણીએ કે ભારતમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે. એક રાષ્ટ્રીય પક્ષ, પછી રાજ્ય સ્તરનો પક્ષ કે જેને પ્રાદેશિક પક્ષ પણ કહેવામાં આવે છે અને ત્રીજો બિન-માન્ય પક્ષ. જોકે માન્યતા ન ધરાવતા પક્ષો પણ ચૂંટણી પંચમાં નોંધાયેલા હોય છે. હાલમાં ભારતમાં સાત રાષ્ટ્રીય રાજકીય પક્ષો છે. રાજ્ય સ્તરના પક્ષોની સંખ્યા 58 છે, જ્યારે 1786 બિન-માન્યતા ધરાવતા પક્ષો છે. જોકે આ રાજકીય પક્ષોના પ્રકૃતિમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. ચૂંટણીમાં મળેલા મત અને બેઠકોની સંખ્યાના આધારે રાજકીય પક્ષોને રાજ્ય સ્તર અથવા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે.
ચૂંટણી પંચની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે
ભારતમાં નવો રાજકીય પક્ષ બનાવવાનો મુદ્દો છે ત્યાં સુધી તેની સમગ્ર પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર સમજાવવામાં આવી છે. દેશમાં રાજકીય પક્ષો બનાવવાની જોગવાઈ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં કરવામાં આવી છે. ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈ પણ વ્યક્તિએ રાજકીય પક્ષ બનાવવા માટે પહેલા વેબસાઈટ પર આપેલું ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને બાકીની વસ્તુઓ ભરીને 30 દિવસમાં ચૂંટણી પંચને મોકલવાની રહેશે. આ સાથે 10,000 રૂપિયા પણ પ્રોસેસિંગ ફી તરીકે જમા કરાવવાના રહેશે.
રજિસ્ટ્રેશન પહેલા પાર્ટીનું બંધારણ જરૂરી
આ પ્રક્રિયા પહેલા પક્ષની સ્થાપના કરનાર વ્યક્તિએ પોતાના રાજકીય પક્ષનું બંધારણ તૈયાર કરવાનું હોય છે. આમાં પાર્ટીનું નામ અને પાર્ટીની કામ કરવાની પદ્ધતિનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ બંધારણમાં પક્ષના તમામ નિયમોની માહિતી આપવાની હોય છે, જેમ કે પક્ષ પ્રમુખની પસંદગી કેવી રીતે થશે વગેરે-વગેરે. તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલ હોવો જોઈએ કે રાજકીય પક્ષને ભારતના બંધારણ, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હશે.
લઘુત્તમ કેટલા સભ્યો જરૂરી ?
આ સાથે પાર્ટી બનાવતા પહેલા પ્રમુખ વગેરે મહત્વના અધિકારીઓ, કારોબારી સમિતિ અને કારોબારી પરિષદની માહિતી આપવાની રહેશે. બંધારણની નકલ પર પણ પક્ષ પ્રમુખની સહી અને સીલ લગાવવાના રહેશે. પાર્ટીના બેંક ખાતાની માહિતી પણ આપવી પડશે. કોઈપણ પક્ષની સ્થાપના કરવા માટે તેમાં ઓછામાં ઓછા 100 સભ્યો હોવા જરૂરી છે. આ સભ્યો અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હોવા જોઈએ. આ માટે એફિડેવિટ આપવું પડશે કે નવા પક્ષનો કોઈ સભ્ય અન્ય કોઈ પક્ષ સાથે નથી.
ચૂંટણી ચિન્હ EC જ આપે છે
ચૂંટણી પંચ જ રાજકીય પક્ષોને ચૂંટણી ચિન્હ પણ આપે છે. બંધારણની કલમ 324 ચૂંટણી પંચને આ અધિકાર આપે છે. ચૂંટણી પંચ પાસે બે યાદી છે. એક યાદીમાં આવા ચૂંટણી ચિહ્નો છે જે અગાઉના વર્ષોમાં ફાળવવામાં આવ્યા છે અને બીજી યાદીમાં આવા 100થી 125 ચૂંટણી ચિહ્નો છે જે હજુ સુધી કોઈપણ પક્ષને ફાળવવામાં આવ્યા નથી. તેમાંથી નવા પક્ષને ચૂંટણી ચિન્હની ફાળવણી કરવામાં આવે છે. જો કોઈપણ રાજકીય પક્ષ તેના વતી પ્રતિકની માંગણી કરે અને તે પ્રતિક કોઈને ફાળવવામાં ન આવેલ હોય તો તે ઈચ્છિત ચિન્હ પણ ફાળવી શકાય છે.
રાષ્ટ્રીય પક્ષોના ચૂંટણી પ્રતીકો રિઝર્વ રહે છે
અહીં એ જાણવું પણ રસપ્રદ છે કે માત્ર રાષ્ટ્રીય પક્ષને ફાળવવામાં આવેલા ચૂંટણી ચિહ્ન પર જ ઉમેદવારો સમગ્ર દેશમાં ચૂંટણી લડી શકે છે. એટલા માટે ચૂંટણી પહેલા પાર્ટી પોતાના ઉમેદવારોને ટિકિટ આપે છે, જે તેમને પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. તેથી ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત સાત રાષ્ટ્રીય રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતીકો અનામત શ્રેણીમાં આવે છે. અન્ય કોઈને તેનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
તેવી જ રીતે, જો કોઈ પોલીટિકલ પાર્ટી રાજ્ય સ્તરની હોય, તો તેના ચૂંટણી પ્રતિકનો ઉપયોગ સમગ્ર રાજ્યના ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે. જોકે, અન્ય રાજ્યમાં તે જ પક્ષનું ચૂંટણી ચિન્હ અન્ય કોઈ પક્ષને ફાળવી શકાય છે અને ચૂંટણી ચિન્હ ધરાવતા પક્ષે અન્ય કોઈ પ્રતિક પર ચૂંટણી લડવી પડી શકે છે. જો કોઈ પક્ષ ચૂંટણી પંચના ધોરણોને પૂર્ણ કરે છે અને ચોક્કસ સંખ્યામાં મતો અને બેઠકો મેળવે છે અને રાષ્ટ્રીય પક્ષ બની જાય છે તો સમગ્ર દેશમાં તેના માટે ચૂંટણી પ્રતિક અનામત રહે છે.