કેજીએફ થ્રીમાં યશનું સ્થાન અજિત લે તેવી ચર્ચા
- યશ પાસે હાલ કેજીએફ થ્રી માટે સમય નથી
- યશને પડતો મૂકાશે તો પહેલા બે ભાગ જેવી સફળતા નહિ મળે તેવી ચાહકોને શંકા
મુંબઇ : 'કેજીએફ થ્રી'માં યશની જગ્યાએ અજિત મુખ્ય ભૂમિક ભજવે તેવા અહેવાલો વહેતા થયા છે. તેના કારણે યશના ચાહકો ભારે નારાજ થયા છે. સાઉથના ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચા અનુસાર યશ પાસે હાલ કોઈ મોટો પ્રોજેક્ટ કરવા માટે સમય જ નથી.
યશ અત્યારે 'ટોક્સિક' ફિલ્મમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે રણબીર કપૂરની 'રામાયણ ' ફિલ્મમાં પણ રાવણની ભૂમિકા ભજવવાનો હોવાની ચર્ચા છે.
આ સંજોગોમાં તે અત્યારે 'કેજીએફ થ્રી' શરુ કરવા માગતો નથી. જોકે, નિર્માતાઓ આગલા બે ભાગની ગુડવિલ વટાવી લેવા માટે ત્રીજો ભાગ શરુ કરવા ઉતાવળા બન્યા છે. આથી તેઓ યશ સમય આપી શકે તેમ ન હોય તો અજિત સાથે આ ફિલ્મ શરુ કરવા ઈચ્છી રહ્યા છે.
આ અંગેના અહેવાલો વહેતા થતાં ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી કે 'કેજીએફ' સીરિઝમાં યશનું સ્થાન કોઈ લઈ શકે નહિ. જો યશ ને રિપ્લેસ કરાશે તો ત્રીજા ભાગને આગલા બે ભાગ જેટલી સફળતા નહીં મળે.