'તારક મહેતા...'નો સોઢી આખરે મળી ગયો, 25 દિવસ ક્યાં-કેવી રીતે પસાર કર્યા એ પણ જણાવ્યું
Tarak Mehta show News | 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત આવી જતાં પરિજનોએ આખરે રાહતના શ્વાસ લીધા. તે છેલ્લાં 25 દિવસથી ગુમ હતો. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થયાની FIR પણ નોંધાવી હતી. ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી ઘરે પરત ફર્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી.
પોલીસની પુછપરછમાં શું જણાવ્યું 'સોઢી' એ?
પોલીસની પૂછપરછ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા માટે ઘર છોડી ગયો હતો. તે અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયો. પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછો આવ્યો.
ક્યારે ગુમ થયો હતો સોઢી?
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલે જાહેરમાં આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતો. ત્યારપછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યો હતો.