તારક મહેતા શો બંધ થવાનો છે? ભારે ચર્ચાની વચ્ચે પ્રોડ્યુસરે દયાને લઈને પણ આપ્યું નિવેદન
Image Source: Twitter
- દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ 6 વર્ષ પહેલા તેને અલવિદા કહી દીધુ હતું
મુંબઈ, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર
ટીવીનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લઈને સમાચાર આવી રહ્યા છે કે, આ શો બંધ થવા જઈ રહ્યો છે. આ શો છેલ્લા કેટલાક સમયથી વિવાદોને કારણે ચર્ચામાં છે. TMKOCના મહત્વના કલાકારોએ શો ને અલવિદા કહી દીધુ છે. દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ 6 વર્ષ પહેલા તેને અલવિદા કહી દીધુ હતું. ત્યારથી અત્યાર સુધી શોમાં દયાનું પાત્ર ભજવવા માટે કોઈની એન્ટ્રી નથી થઈ શકી.
મેકર્સ દ્વારા વારંવાર વચન આપવામાં આવ્યું કે, દયાબેન ટૂંક સમયમાં શો માં પરત ફરશે પરંતુ તેવું ન થયું. છેલ્લા દિવસોમાં પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે, દયા શો માં પરત ફરી રહી છે. પરંતુ જ્યારે એવું ન થયું તો સોશિયલ મીડિયા પર યુઝર્સે શો ને બોયકોટ કરવાની વાત કહી. ત્યારબાદ એવા સમાચાર આવવા લાગ્યા કે, આ શો બંધ થવા જઈ રહ્યો છે. ત્યારે આ હવે તેના પર પ્રોડ્યૂસર અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે અસિત મોદીએ હાલમાં જ એક નિવેદન જારી કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો બંધ નથી થઈ રહ્યો. તેમણે કહ્યું કે, હું પોતાના દર્શકોનું મનોરંજન કરવા માટે અહીં જ છું અને ક્યારેય તેમને ખોટું નહીં કહીશ. માત્ર કેટલીક પરિસ્થિતિઓના કારણે અમે દયાના પાત્રને સમસયર પરત નથી લાવી શકતા. પરંતુ એનો અર્થ એ નથી કે, અમે પાત્રને શો માં પરત નહીં લાવીશું. પછી ભલે તે દિશા વાકાણી હોય કે, કોઈ બીજું, સમય પર જાણ થઈ જશે. એક કોમેડી શો ને 15 વર્ષ સુધી ચલાવવું સરળ કામ નથી. તે પોતાનામાં જ અનોખું છે, જેમાં એક પણ લીપ જોવા ન મળ્યો.