તારક મહેતાના 'બાઘા' ની કારકિર્દી અભિમાનના કારણે બરબાદ થઈ ગઈ હતી, સંઘર્ષ પછી મળી ઓળખ
તન્મય વેકરિયા મૂળ ગુજરાતના છે અને 15 વર્ષ તેમણે ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે
તેમના પિતા પણ ગુજરાતી અભિનેતા હોવાથી તન્મયને મળી પ્રેરણા
Tarak Mehta Ka Ooltah Chashmah Tanmay Vekaria: પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ શોના બાઘા બોયે વાસ્તવિક જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે, પરંતુ આ શોએ બાઘા ઉર્ફે તન્મય વેકરિયાનું જીવન બદલી નાખ્યું છે. આ શોના કારણે જ આજે તે લાખો દિલો પર રાજ કરે છે. જેમાં તન્મય વેકરિયાએ એક ચેટ શોના માધ્યમથી લોકોને પોતાના સંઘર્ષની વાત ફેંસ સાથે શેર કરી હતી.
તન્મયનો પગાર આટલો ઓછો હતો
તન્મયનો જન્મ મુંબઈમાં એક મિડલક્લાસ ફેમીલીમાં થયો હતો. તેમના પિતા ગુજરાતી થિયેટરમાં કામ કરતા હતા. આ જોઇને જ તેમને પણ અભિનેતા બનવાની પ્રેરણા મળી હતી. આ બાબતે તન્મએ જણાવ્યું હતે કે, 'મારા માતાપિતા ઇચ્છતા હતા કે હું કોઈ નોર્મલ જોબ કરું, થિયેટરની આવક પર મહિનાનો ખર્ચો પૂરો કરવો ખૂબ જ મુશ્કેલ હતું. આથી મેં મારા પિતાજીની વાત માનીને મારા મામા સીએ હોવાથી તેમની નીચે રૂ. 700ની નોકરી કરવા લાગ્યો. એ સમયે મારી ઉંમર 30 વર્ષ હતી. મારા લગ્ન થઇ ગયા હતા અને એક દીકરી પણ હતી. તે સમયે હું નોકરીની સાથે થિયેટર માટે નાટકો પણ કરતો. જેના દ્વારા મને વર્ષના રૂ. 30 હજારની આવક થતી.'
મન હંમેશા એક્ટિંગમાં જ લાગતું હતું
આ બાબતે વધુમાં તન્મયે જણાવ્યું હતું કે, 'થિયેટરમાં કામ કરવાથી મારું મન એક્ટિંગમાં જ લાગતું હતું. આથી ખૂબ પ્રયત્નો બાદ મને 'મણીબેન ડોટ કોમ'માં સ્મૃતિ ઈરાનીના ભાઈનો રોલ મળ્યો હતો. જેનાથી મને ઘણું શીખવા મળ્યું હતું. ત્યારબાદ લગભગ ચાર મહિના સુધી હું ગુજરાતી નાટકો અને ટીવી સિરીયલોમાં કામ કરતો રહ્યો. જેથી આ મારા માટે આ બંને કામ સાથે મેનેજ કરવું મુશ્કેલ બની ગયું હતું. જેથી મેં નાટકો કરવાનું છોડી દીધું અને હું ખૂદને સ્ટાર સમજવા લાગ્યો હતો. જેથી મને લાગતું હતું કે મને ઘણું કામ મળી રહેશે, પણ એવું ન થયું. 'મણીબેન ડોટ કોમ' કર્યા પછી ઘણા સમય સુધી મને ક્યાંય કામ ન મળ્યું, પરંતુ હું કોશિશ કરતો રહ્યો.'
પ્રથમ ઓડીશનમાં જ પ્રોડ્યુસરને કર્યા ઈમ્પ્રેસ
તન્મયે કહ્યું કે, 'હું મારા વૃદ્ધ માતા-પિતા અને મારી પત્નીને ખૂશ રાખવા ઈચ્છતો હતો. એવામાં મને જાણવા મળ્યું કે તારક મહેતામાં એક એક્ટરની જરૂર છે. આથી હું ત્યાં ગયો અને મને બાઘાનો રોલ ઓફર કરવામાં આવ્યો. જેમાં મેં પ્રથમ ઓડીશનમાં જ એક્ટર દિલીપ જોશી અને પ્રોડ્યુસર અસિત મોદીને ઈમ્પ્રેસ કરી દીધા, અને હવે તમે લોકો જાણો જ છો કે આજ હું ક્યાં છું!'