'મેં ગયા વર્ષે જ ગુપ્ત લગ્ન કરી લીધાં હતા...', બોલિવૂડ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો
Taapsee Pannu Shocks News: તાપસી પન્નુએ ગત માર્ચમાં નહિ પરંતુ ગયાં વર્ષે ડિસેમ્બરમાં જ ગૂપચૂપ રીતે લગ્ન કરી લીધાં હતાં. તાપસીએ પોતે આ ઘટસ્ફોટ કર્યો છે. એક સંવાદમાં તેણે કહ્યું હતું કે તેણે અને પતિ મેથિયાસ બોએ ગયાં વર્ષે ડિસેમ્બરમાં જ લગ્ન કરી લીધાં હતાં. આ મહિને તેઓ પોતાની લગ્ન એનિવર્સરી મનાવવાનાં છે. ગત માર્ચ મહિનામાં ઉદેપુરમાં તેમણે માત્ર પારંપારિક વિધિ જ કરી હતી. તાપસીએ કહ્યું હતું કે તે અને મેથિયાસ બંને પોતાનાં અંગત જીવનને ગુપ્ત રાખવામાં માને છે. આથી, જો અત્યારે આ ઘટસ્ફોટ ન કરત તો આજીવન કોઈનેય ક્યારેય આ વિશે ખબર પડવાની ન હતી.
ગત વર્ષે તાપસીએ કર્યા હતા સિવિલ મેરેજ
તાપસીએ કહ્યું હતું કે, 'ગત ડિસેમ્બરમાં બંનેએ સિવિલ મેરેજ કર્યાં હતાં. ગત વર્ષે ડિસેમ્બરમાં કાગળો પર સહી કરીને ઓફિશિયલ લગ્ન કર્યા હતા અને આ વર્ષે રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લોકો મારા લગ્ન વિશે સંપૂર્ણપણે અજાણ હતા કારણ કે અમે કોઈ જાહેરાત કરી ન હતી. જો આજે મેં આ વાત અહીં જાહેર ન કરી હોત તો કોઈને ખબર ન પડી હોત.'
ગત માર્ચ મહિનામાં તાપસીએ રીતિરિવાજથી કર્યા હતા લગ્ન
ઉદેપુરમાં ગત માર્ચ મહિનામાં એક્ટ્રેસ તાપસી પન્નુ અને તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ મેથિયાસ બોએ રીતિરિવાજથી લગ્ન કર્યા હતા. પરંતુ તેના લગ્ન અંગે કોઈ જાહેરાત કરાઈ ન હતી. ઉદયપુરમાં યોજાયેલી લગ્ન વિધિમાં તેણે બહુ મર્યાદિત સંખ્યામાં જ આમંત્રિતોને બોલાવ્યા હતા અને લગ્નની વિગતો મીડિયામાં પ્રગટ ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું. લગ્નના 9 મહિના પછી પણ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પણ ફોટો શેર કર્યો નથી.
તાપસી અંગત જીવન અને વ્યાવસાિયક જીવન અલગ રાખવા માંગે છે
તાપસીએ કહ્યું હતું કે, 'અમે અમારા અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખવા માગતા હતા. મેં જોયું છે કે કોઈના અંગત જીવન વિશે વધુ પડતો ખુલાસો કરે છે તો તેના અંગત જીવન અને વ્યાવસાયિક જીવન પર નકારાત્મક અસર પડે છે. કારકિર્દીની સફળતાઓ અને નિષ્ફળતાઓ ઘણીવાર અંગત જીવનને પણ અસર કરે છે, જેના કારણે બિનજરૂરી તણાવ થાય છે. મેં હંમેશા બંને વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.'