ઐતરાઝ ટૂમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા
- સુભાષ ઘઈ અને તાપસી પન્નુ વચ્ચે વાતચીત ચાલુ
- ઓહ માય ગોડ ટૂના દિગ્દર્શક અમિત રાયને જ આ ફિલ્મનું દિગ્દર્શન સોંપાયું
મુંબઇ : સુભાષ ઘઈ 'ઐતરાઝ ટૂ' ફિલ્મ બનાવી રહ્યા છે. તેમાં મુખ્ય હિરોઈન તરીકે તાપસી પન્નુની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. અક્ષય કુમારની જ ફિલ્મ 'ઓહ માય ગોડ ટૂ'ના દિગ્દર્શક અમિત રાયને આ ફિલ્મનું સુકાન સોંપાયું છે.
ચર્ચા અનુસાર સુભાષ ઘઈ તથા તાપસી વચ્ચે આ પ્રોજેક્ટ માટે વાતચીત ચાલુ થઈ ચુકી છે. સુભાષ ઘઈએ તાપસીને સ્ક્રિપ્ટ વંચાવી છે. તાપસીને પણ આ સ્ક્રિપ્ટ પસંદ પડી હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી તેણે ફિલ્મ સાઈન કરી નથી. 'ઐતરાઝ' ફિલ્મ ૨૦૦૪માં રીલીઝ થઈ હતી. તેમાં અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા તથા કરીના કપૂરે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. પ્રિયંકાએ તે વખતે આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવવાની હિંમત દર્શાવી હતી. 'ઐતરાઝ ટૂ'માં પ્રિયંકા જેવા જ નેગેટિવ રોલ માટે તાપસીનો સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે. સુભાષ ઘઈએ થોડા સમય પહેલાં પોતે 'ઐતરાઝ ટૂ' બનાવી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તે વખતે તેમણે મૂળ ફિલ્મમાં પ્રિયંકાએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. જોકે, તેમણે બીજા ભાગમાં મૂળ ફિલ્મના કોઈ કલાકાર રીપિટ થશે કે કેમ તે સ્પષ્ટ રીતે જણાવ્યું ન હતું.