ટી સીરિઝ 'આશિકી' ઉલ્લેખ ધરાવતી કોઈ ફિલ્મ નહિ બનાવી શકે
- મૂળ આશિકીના નિર્માતા મુકેશ ભટ્ટ કેસ જીતી ગયા
- ટી સીરિઝ આશિકી થ્રી બનાવવાની ફિરાકમાં હોવાના અહેવાલો વચ્ચે અદાલતી જંગ
મુંબઇ : ટી સીરિઝ ફિલ્મસ ભવિષ્યમાં 'આશિકી' શબ્દનો ઉલ્લેખ ધરાવતી કોઈ ફિલ્મ બનાવી શકશે નહીં. રાહુલ રોય અને અનુ અગ્રવાલની મૂળ 'આશિકી' ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટે આ ટાઈટલનાં સંરક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો હતો તેમાં તેમની જીત થઈ છે. હાઈકોર્ટે ટી સીરિઝ પર 'આશિકી' શબ્દનો ઉલ્લેખ હોય તેવાં કોઈપણ ટાઈટલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
અદાલતના આદેશ અનુસાર ટી સીરિઝ 'તુ હી આશિકી' કે પછી 'તુ હી આશિકી હૈ' એવાં કોઈપણ ટાઈટલની ફિલ્મ નહિ બનાવી શકે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે અગાઉ 'આશિકી' અને 'આશિકી ટૂ' ટાઈટલ ધરાવતી બે ફિલ્મ બની ચૂકી છે. હવે કોઈપણ ફિલ્મમાં ટાઈટલમાં 'આશિકી' શબ્દ પ્રયોજાય તો દર્શકો એમ માનવા પ્રેરાશે તે તેનુ ંઆગલી બે ફિલ્મ સાથે કોઈ રીતે કનેક્શન હોઈ શકે છે. તેથી 'આશિકી ' બ્રાન્ડ નબળી પડી શકે છે.
ચર્ચા અનુસાર ટી સીરિઝ 'આશિકી થ્રી' ફિલ્મ બનાવવાની ફિરાકમાં છે. તે પછી મુકેશ ભટ્ટે એક જાહેર નોટિસ આપીને જણાવ્યું હતું કે આ ટાઈટલના વિશેષાધિકાર પોતાની પાસે જ છે અને ટી સીરિઝ આ ફિલ્મ બનાવી શકે નહીં. તે પછી ટી સીરિઝ જેના ટાઈટલમાં આશિકી શબ્દનો કોઈ રીતે ઉલ્લેખ હોય તેવી ફિલ્મ બનાવવા પ્રયાસ કરી રહી હતી. આથી, મુકેશ ભટ્ટે ટાઈટલના સંરક્ષણ માટે અદાલતમાં કેસ કર્યો હતો.