એક્ટ્રેસ મલ્લિકા રાજપૂતનું શંકાસ્પદ મોત, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, કંગના સાથે કરી ચૂકી છે કામ
- મલ્લિકા રાજપૂતને મ્યુઝિક આલ્બમ 'યારા તુઝે' થી ખ્યાતિ મળી હતી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર
ફેમસ એક્ટ્રેસ અને લેખિકા મલ્લિકા રાજપૂતનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થઈ ગયુ છે. મંગળવારે સવારે સુલ્તાનપુરના સીતાકુંડ સ્થિત નિવાસ પર તેમનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ આ મામલાને આત્મહત્યા માની રહી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
કંગના સાથે કરી ચૂકી છે કામ
કોતવાલી નગરના સીતાકુંડ નિવાસી બબ્બન સિંહની પુત્રી અભિનેત્રી, ગાયિકા અને લેખિકા મલ્લિકા રાજપૂતે ફિલ્મ રિવોલ્વર રાનીમાં કંગના રનૌત સાથે સહ-અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી અને સિંગર શાનના મ્યુઝિક આલ્બમ 'યારા તુઝે' થી ખ્યાતિ મેળવી હતી. આ ઉપરાંત તેમણે ઘણી વેબ સિરીઝ, સિરિયલો અને આલ્બમ વગેરેમાં પણ કામ કર્યું હતું. ઈન્દોરના આધ્યાત્મિક ગુરુ ભૈયુ જી મહારાજ પર આરોપ લગાવીને તે ચર્ચામાં આવી હતી. આ જ ઘટનાના થોડા સમય બાદ ભૈયુ જી મહારાજે આત્મહત્યા કરી લીધી હતી.
ફિલ્મી દુનિયામાં કરિયર નબળુ પડતા આધ્યાત્મ તરફ વળી હતી
ભાજપમાં જોડાયેલી મલ્લિકાએ વર્ષ 2028માં પાર્ટી પર દુષ્કર્મીઓને સમર્થન કરવાનો આરોપ લગાવી પાર્ટી છોડી દીધી હતી. ફિલ્મી દુનિયામાં કરિયર નબળુ પડતા આધ્યાત્મ તરફ વળી હતી અને કપાલી મહારાજ પાસેથી ગૃહસ્થ સંન્યાસની દીક્ષા પણ લીધી. સોમવારે સવારે તેનો મૃતદેહ મળી આવતા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવારજનો સાથે રાત્રે તેનો વિવાદ થયો હતો અને તેનો ઉકેલ લાવવા માટે પોલીસ પણ આવી હતી. ત્યારબાદ રાત્રે શું થયું અને મલ્લિકાનું મોત કઈ રીતે થયુ? પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર શ્રીરામ પાંડેએ જણાવ્યું કે તે ખૂબ જ નશામાં હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચી સ્થિતિનો ખુલાસો થશે. તેમના નિધન પર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના ફોલોઅર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.