સુનિલ પાલ કિડનેપિંગ કેસમાં વળાંક: આરોપીઓએ નોકરી લાગતાં જ પૈસા પરત આપવાનો કર્યો હતો વાયદો
Comedian Sunil Pal Case: કોમેડિયન સુનિલ પાલના અપહરણ કેસમાં દરરોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હવે આ કેસમાં નવી માહિતી સામે આવી છે, કે જે 5- 6 લોકોએ અપહરણ કર્યું હતું, તેઓ બેરોજગાર હતા અને તેમણે મેરઠમાં એક કાર્યક્રમનું આયોજન કરવાના બહાને મુંબઈથી સુનિલ પાલને બોલાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપહરણ કર્યા બાદ તેઓએ 20 લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ બાદમાં 7.5 લાખ રૂપિયામાં મામલો થાળે પડ્યો હતો. જ્યારે તેઓને પૈસા મળ્યા, ત્યારે અપહરણકારોએ સુનિલ પાલને મુંબઈની ફ્લાઈટ પકડવા માટે 20 હજાર રૂપિયા રોકડા આપ્યા, જેથી તે પોતાના ઘરે પહોંચી શકે. એટલું જ નહીં, તેઓએ અભિનેતાને એમ પણ કહ્યું કે, જ્યારે અમને નોકરી મળી જશે ત્યારે તમારી રકમ પરત કરી દઈશું.
આ અંગે મળતી માહિતી પ્રમાણે કોમેડિયન સુનિલ પાલને 2 ડિસેમ્બરની રાત્રે હરિદ્વારમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના માટે તેઓ 2 ડિસેમ્બરે ફ્લાઈટ દ્વારા મુંબઈથી દિલ્હી આવ્યા હતા. જ્યા પાંચ છ આરોપીઓએ તેમનું દિલ્હીમાં અપહરણ કર્યું હતું. અપહરણકારો તેમને કારમાં મેરઠ લઈ ગયા. આ દરમિયાન તેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. જેના કારણે તેઓ કાંઈ જોઈ શકતા નહોતા. અપહરણકારોએ તેને 24 કલાક સુધી મેરઠમાં બંધક બનાવી રાખ્યા હતા.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 7.5 લાખ રૂપિયા પડાવ્યા
આ પછી તેની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 7.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. સુનિલ પાલને આંખે પાટા બાંધીને એક ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. શહેરમાંથી દાગીના ખરીદ્યા બાદ ખંડણીની રકમ ઝવેરીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અંગે કોમેડિયને મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પોલીસમાં કેસ નોંધાવ્યો છે.
અપહરણકારોએ જ્વેલર્સમાંથી સુનિલ પાલના નામે દાગીના ખરીદ્યા
આ પછી મેરઠના જ્વેલરી વેચનારનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અપહરણકારોએ મેરઠ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના આકાશ ગંગા જ્વેલર્સમાંથી લગભગ ચાર લાખ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા. આ પછી આરોપીઓએ લાલકુર્તિના બુલિયન વેપારી અક્ષિત સિંઘલની દુકાનમાંથી આશરે રૂ. 2.25 લાખની ખરીદી કરી હતી. બંને જગ્યાએથી જ્વેલરીના બિલ સુનિલ પાલના નામે કરવામાં આવ્યા હતા. આ માટે સુનિલ પાલનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આપવામાં આવ્યું હતું. આ રકમ સુનિલ પાલના મોબાઈલ પરથી ઝવેરીના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી. સરાફે આ મામલે લાલકુર્તી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેરઠ એસએસપી આ સમગ્ર મામલે વધુ તપાસની વાત કરી હતી.
આ પણ વાંચો : 'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં
પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે જ્વેલર અક્ષિત સિંઘલનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું અને તેને મુંબઈ પોલીસનો ફોન આવ્યો. પોલીસ હવે આ કેસમાં 2 ડિસેમ્બરની રાતથી 3 ડિસેમ્બર સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.