સુકેશે જેક્લિનને ફ્રેન્ચ વાઈનયાર્ડની ગિફ્ટ આપી
- ક્રિસમસ નિમિત્તે સાન્તા બનીને ભેટ આપીં
- સોશિયલ મીડિયા પર સુકેશનો પત્ર વાયરલ, જોકે, સત્યતાની કોઈ પુષ્ટિ નહીં
મુંબઇ : ઠગ સુકેશ ચન્દ્રશેખરે જેક્લિન ફર્નાન્ડિઝને ફ્રેન્ચ વાઈનયાર્ડની ગિફ્ટ આપી હોવાનું જણાવતો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ પત્રની સત્યતાની કોઈ પુષ્ટિ થઈ નથી.
પત્રમાં સુકેશે જણાવ્યું છે કે તે જેક્લિન માટે સાન્તાની ભૂમિકા અદા કરી રહ્યો છે અને નાતાલ નિમિત્તે આ ગિફ્ટ આપી રહ્યો છે.
સુકેશના જેક્લિન માટેના અનેક લવ લેટર્સ અગાઉ વાયરલ થઈ ચૂક્યા છે. મોટાભાગના પત્રોમાં સુકેશ દ્વારા જેક્લિનને કોઈ ભેટસોગાદ તથા તેના અમર્યાદ પ્રેમની વાતો લખેલી હોય છે. જોકે, જેક્લિન આ તમામ પત્રોનો ઈનકાર કરી ચૂકી છે. જેક્લિને સુકેશ પબ્લિસિટી માટે તિહાર જેલના અધિકારીઓ મારફત આવા પત્ર લીક કરાવતો હોવાનો આક્ષેપ કર્યો છે અને તેને પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધની પણ માગણી કરી છે.
મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન સુકેશની સહ આરોપી હોવાનો આરોપ ઈડી દ્વારા મૂકાયો છે. જોકે, જેક્લિન પોતે સુકેશની ઠગાઈનો ભોગ બની ચૂકી હોવાનું જણાવી ચૂકી છે.