માત્ર 4 વર્ષની ઉંમરે ફિલ્મજગતમાં એન્ટ્રી, 300 ફિલ્મોમાં કર્યો અભિનય; જાણો હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે
Image: @filmfare X
નવી મુંબઇ,તા. 24 ફેબ્રુઆરી 2024, શનિવાર
80-90ના દાયકામાં શ્રીદેવીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી મજબૂત હિરોઈન માનવામાં આવતી હતી. તેણે પોતાની મહેનત અને લગનથી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. હિન્દી સિનેમાની 'હવા હવાઈ ગર્લ' શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તે તેના ચાહકોના દિલમાં આજે પણ પોતાની એક્ટીંગના કારણે જીવંત રહેશે. હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના મૃત્યુને આજે 6 વર્ષ થઈ ગયા છે. 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.
એક સમય હતો જ્યારે અભિનેત્રીનું નામ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ હતું. મોટા કલાકારો તેના સ્ટારડમથી ડરી ગયા હતા. ખુદ સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે શ્રીદેવીથી ડરે છે. તેમણે કહ્યું કે, જે ફિલ્મોમાં શ્રીદેવી હતી ત્યાં દર્શકોએ અન્ય અભિનેતાને પણ જોયો નથી. માત્ર ચાર વર્ષની ઉંમરે તેણે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં અભિનેત્રીએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. 1967માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'મુરુગા'થી તેણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.
બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર
શ્રીદેવીએ માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ સાઉથ સિનેમામાં પણ ઘણું નામ કમાવ્યું હતુ. તેમણે હિન્દી સિવાય અભિનેત્રીએ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી સિનેમાની પહેલી અભિનેત્રી હતી જેને 'લેડી સુપરસ્ટાર'નો ખિતાબ મળ્યો હતો.શ્રીદેવીએ પોતાના જીવનના 50 વર્ષ સિનેમાને આપ્યા અને પદ્મશ્રી, નેશનલ એવોર્ડ, ફિલ્મફેર, લાઈફટાઈમ અચીવમેન્ટ સહિત અનેક સન્માનો જીત્યા હતા.
વર્ષ 2018 માં, તેમના આકસ્મિક મૃત્યુના સમાચારથી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ આઘાત લાગ્યો હતો. દુબઈની એક હોટલના રૂમમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મોત થયું હતું. આ સમાચાર આવતાની સાથે જ સમગ્ર સિનેમા જગતમાં મૌન છવાઈ ગયું હતું. કોઈ માની ન શકે કે તે હવે આ અદાકારા અને હવા હવાઇ ગર્લ આપણી વચ્ચે નથી.