પુષ્પા ટૂમાં આઈટમ સોંગનો શ્રી લીલાનો લૂક વાયરલ
- સર્જકો દ્વારા સત્તાવાર ઘોષણા થઈ
- ઓ અંટવા જેવું જ કિસિક ગીત હશે, સામંથાના ચાહકોને વસવસો
મુંબઇ : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા ટૂ'માં આ વખતે શ્રી લીલા આઈટમ સોંગ કરી રહી છે તેવી ચર્ચા લાંબા સમયથી હતી. હવે નિર્માતાઓએ આ સોંગનો શ્રી લીલાનો લૂક જાહેર કરી તેની સત્તાવાર ઘોષણા કરી છે. પહેલા ભાગમાં સામંથા રુથ પ્રભુ પર ફિલ્માવાયેલું 'ઉ અંટવા ' ગીત સુપરહિટ થયું હતું. આ વખતે શ્રી લીલાનાં આઈટમ સોંગને 'કિસિક' ટાઈટલ અપાયું છે. ઉલ્લેખનીય છે કે આ આઈટમ સોંગ અગાઉ શ્રદ્ધા કપૂરને ઓફર થયું હતું. પરંતુ 'સ્ત્રી ટૂ'ની સફળતા બાદ શ્રદ્ધાએ બહુ મોટી ફીની માગણી કરી હતી. આથી નિર્માતાઓએ તેને પડતી મૂકી હતી. શ્રદ્ધાની સમાંતર જ શ્રી લીલા આ ગીત કરી રહી હોવાની ચર્ચા થઈ રહી હતી.
ફિલ્મની ટીમે શ્રી લીલાનો આ ગીતનો લૂક ધરાવતું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તે સાથે જ તે વાયરલ થયું હતું. અનેક ચાહકોએ પોતે આ ગીત માટે આતુર હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ સામંથા રુથ પ્રભુના ચાહકોએ સામંથાને બીજા ભાગમાં તક ન મળી હોવાનો વસસવો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સામંથાના 'ઉ અંટવા સોંગ'નું સ્થાન કોઈ લઈ શકે નહીં. તેના જેવો ક્રેઝ કોઈ ગીત સર્જી શકશે નહીં. આ ફિલ્મ આગામી તા. પાંચમી ડિસેમ્બરે રીલિઝ થવાની છે.