રામાયણમાં સીતા તરીકે સાઈ પલ્લવીને સ્થાને જાહ્નવીની અટકળો
- જાહ્નવીની પસંદગી અંગે વિરોધાભાસી અહેવાલો
- સીતા તરીકે જાહ્નવીના નામથી નેટ યૂઝર્સ ભડક્યા, ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ ચિમકી
મુંબઈ : 'રામાયણ' ફિલ્મમાં રામ તરીકે રણબીર સાથે સીતા તરીકે હવે સાઈ પલ્લવીને બદલે જાહ્નવી કપૂર ગોઠવાઈ રહી હોવાના કેટલાક અહેવાલો વહેતા થયા હતા. આ અહેવાલો બાદ નેટ યૂઝર્સનો ગુસ્સો ભડક્યો હતો અને કેટલાય લોકોએ તો ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ ચિમકી આપી દીધી હતી.
નિતેશ તિવારીએ 'રામાયણ' પ્રોજેક્ટની શરુઆત કરી ત્યારે સીતા તરીકે આલિયા ભટ્ટનું નામ ચર્ચાયું હતું. તે પછી છેલ્લા કેટલાય સમયથી એ લગભગ કન્ફર્મ મનાય છે કે સાઉથની સ્ટાર સાઈ પલ્લવી સીતાનો રોલ ભજવી રહી છે.
જોકે, હાલમાં ઈન્ટરનેટ પર ફરતા થયેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીતા માતા તરીકે સાઈ પલ્લવીની પણ બાદબાકી થઈ ગઈ છે અને તેની જગ્યાએ જાહ્નવી કપૂરની પસંદગી કરી લેવામાં આવી છે.
આ અહેવાલોને પગલે નેટ યૂઝર્સમાં ભારે રોષ ફેલાયો હતો. કેટલાય લોકોએ લખ્યું હતું કે જાહ્નવી ખરાબ ફિટિંગ ધરાવતાં વસ્ત્રો ધારણ કરવાથી વિશેષ કોઈ આવડત ધરાવતી નથી. સીતા માતા જેવું ગાંભીર્ય ધરાવતું પાત્ર તેને સ્હેજે સૂટ નહીં થાય. કેટલાક લોકોએ તો એવી ટીખળ કરી હતી કજાહ્નવી કરતાં તો વધુ એક્સપ્રેશન્સ મારું વોલ ક્લોક આપે છે. કેટલાય લોકોએ સાઈ પલ્લવીની બહેતરીન ફિલ્મોને યાદ કરી હતી.
જોકે, તરત જ ફિલ્મની ટીમ તરફથી હોવાનો દાવો કરતા કેટલાક લોકોએ વળતો દાવો કર્યો હતો કે આ અહેવાલો ખોટા છે. નિતેશ તિવારીએ ક્યારેય જાહ્નવીનો સંપર્ક કર્યો જ નથી.
આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થવાનું છે. રાવણ તરીકે યશ અને હનુમાનજીના પાત્રમાં સની દેઓલની પસંદગી થઈ ચૂકી છે.