રામ મંદિર માટે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીનું મોટું એલાન, 'હનુ-માન'ની ટીમ આપશે દાન
Image Source: Twitter
મુંબઈ, તા. 08 જાન્યુઆરી 2024 સોમવાર
તેજા સજ્જાની ફિલ્મ હનુ-માન 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તાજેતરમાં જ નિર્માતાઓએ ફિલ્મ માટે એક પ્રી-રિલીઝ કાર્યક્રમ આયોજિત કર્યો, જેમાં ચિરંજીવી પણ સામેલ થયા. કાર્યક્રમ દરમિયાન ચિરંજીવીએ રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા માટે હનુ-માન ટીમ દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયનો ખુલાસો કર્યો.
હનુ-માનના પ્રી-રિલીઝ કાર્યક્રમ દરમિયાન ચિરંજીવીએ ખુલાસો કર્યો કે તેમને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે અને તેમણે ફિલ્મના નિર્માતાઓ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે દાન આપવાના નિર્ણયની પણ જાહેરાત કરી.
સુપરસ્ટારે કર્યું એલાન
સુપરસ્ટાર ચિરંજીવીએ કહ્યુ, રામમંદિરનું નિર્માણ ઈતિહાસમાં એક મિસાલ છે. મને આ મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. હુ પોતાના પરિવારની સાથે આમાં સામેલ થઈશ. રામ મંદિના ઉદ્ઘાટનના અવસરે હનુ-માન ટીમે એક મહત્વની જાહેરાત કરી. તેમણે રોકડ રકમ દાન કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર નિર્માણ માટે તેમની ફિલ્મની દરેક વેચાયેલી ટિકિટમાંથી 5 રૂપિયા દાન કરીશુ. આ નિર્ણય માટે હનુ-માનની ટીમને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. નિર્દેશક પ્રશાંત વર્માની 'હનુ-માન' ટોલીવુડમાં અન્ય ફિલ્મો સાથે ટકરાશે. મહેશ બાબુની 'ગુંટૂર કરમ', વેંકટેશની 'સૈંધવ' અને નાગાર્જુનની 'ના સામી રંગા' સંક્રાંતિ દરમિયાન થિયેટર્સમાં રિલીઝ થશે.
સુપરહીરો ફિલ્મ છે
હનુ-માન પ્રશાંત વર્મા દ્વારા લેખિત અને નિર્દેશિત એક સુપરહીરો ફિલ્મ છે. તેજા સજ્જા મુખ્ય ભૂમિકા નિભાવશે જ્યારે વિનય રાય વિલન તરીકે નજર આવશે. ફિલ્મમાં અમૃતા અય્યર, વરલક્ષ્મી સરથકુમાર અને રાજ દીપક શેટ્ટી પણ મહત્વની ભૂમિકાઓમાં છે. હનુ-માન પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સનો પહેલો ભાગ છે. જે બાદ અધીરા આવશે.