સાઉથના હિરો સિદ્ધાર્થના માતાપિતા એરપોર્ટ પર હેરાન
- અદિતી રાવ હૈદરીનો બોયફ્રેન્ડ ભારે ગુસ્સામાં
- હિંદી નહીં સમજતાં હોવાનું જણાવ્યું છતાં પણ તે ભાષામાં જ પૂછપરછ કરી 20 મિનીટ અટકાવાયાં
મુંબઈ : સાઉથના સ્ટાર અને અદિતી રાવ હૈદરીના નવા બોય ફ્રેન્ડ સિદ્ધાર્થના માતાપિતાની મદૂરાઈ એરપોર્ટ પર સતામણી કરવામાં આવી હતી. પોતાના ગુસ્સા માટે જાણીતા સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર આ અંગે ભારે ઉકળાટ ઠાલવ્યો છે.
સિદ્ધાર્થની પોસ્ટ અનુસાર તેના માતાપિતાને બેગમાંથી સિક્કા વગેરે ખાલી કરવા જણાવાયું હતું. તેઓ બંને હિંદી સમજતાં નથી તેમ છતાં પણ સિક્યુરિટી એજન્સીના જવાને તેમની હિંદીમાં જ પૂછપરછ કરી હતી અને તેમને ૨૦ મિનીટ સુધી બેસાડી રાખ્યાં હતાં. તેમણે વિરોધ કર્યો તો આ દેશમાં તો આવું જ ચાલશે તેવો જવાબ મળ્યો હતો.
સિદ્ધાર્થ આ સમગ્ર બનાવથી ભારે રાતોચોળ થયો છે અને તેણે સંબંધિત એરપોર્ટ ેએજન્સીને ફરિયાદ પણ કરી છે. સિદ્ધાર્થ પોતાના ગુસ્સાભર્યાં રિએક્શન માટે જાણીતો છે. થોડા સમય અગાઉ તેણે સાયના નહેવાલ વિરુદ્દ અભદ્ર કોમેન્ટ કરતાં તેની સામે પોલીસ કેસ થયો હતો.
સિદ્ધાર્થ 'રંગ દે બસંતી' જેવી હિંદી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. એક સમયે તેનું નામ સૈફ અલી ખાનની બહેન સોહા અલી સાથે લેવાતું હતું. હાલ તે અદિતી રાવ હૈદરી સાથે ડેટિંગ કરી રહ્યો હોવાનું કહેવાય છે.