શૂટિંગ છોડીને અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યા ચિરંજીવી, પવન કલ્યાણ સ્પેશિયલ ફ્લાઇટથી રવાના
Allu Arjun Arrest Case : સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આજે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યાંથી મેડિકલ ટેસ્ટ બાદ તેને નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના વચગાળાના જામીન આપવાની મંજૂરી આપી છે. આ દરમિયાન અભિનેતાના ચાહકોની સાથે ઘણા સાઉથ અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેના સમર્થનમાં સામે આવ્યા હતા. વરુણ ધવન એક ઇવેન્ટમાં અભિનેતાના સમર્થનમાં ઉતર્યો હતો, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી પણ શૂટિંગ છોડીને અભિનેતાના ઘરે પહોંચી ગયા.
ચિરંજીવી પહોંચ્યો અલ્લુ અર્જુનના ઘરે
અલ્લુ અર્જુનની ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોલીસ સાથે જોવા મળી રહ્યો છે. અભિનેતાનો આ વીડિયો જોયા બાદ તેના ચાહકો ખૂબ પરેશાન છે. આ સ્થિતિમાં તેના પરિવારનું મનોબળ વધારવા માટે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીએ તેનું શૂટિંગ અધવચ્ચે છોડીને તરત જ અલ્લુના ઘરે પહોંચી ગયો હતો. આ દરમિયાન અભિનેતાની પત્ની પણ તેની સાથે જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કામ છોડીને પવન કલ્યાણ હૈદરાબાદ જવા રવાના
આ સિવાય સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ પણ પોતાનું કામ છોડીને વિજયવાડાથી હૈદરાબાદ જવા રવાના થઈ ગયા છે. ઍરપૉર્ટ પરથી તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અભિનેતાના ચહેરા પર ઘણી મુશ્કેલી અને ઉદાસી દેખાઈ રહી હતી.
આ પણ વાંચો : LIVE | સંધ્યા થિએટર નાસભાગ કેસ: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને આપ્યા વચગાળાના જામીન
વરુણ ધવને કર્યું અલ્લુ અર્જુનનું સમર્થન
આ દરમિયાન બોલિવૂડ એક્ટર વરુણ ધવને અલ્લુ અર્જુનનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું હતું કે, 'સુરક્ષા અથવા અન્ય કંઈપણ અભિનેતા એકલો પોતાના પર લઈ શકે નહીં. કારણ કે આપણી આસપાસ બીજા ઘણાં લોકો હોય છે. જે અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. પરંતુ તમે આ માટે કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવી શકો નહીં.
તેને દોષ આપવો બિલકુલ યોગ્ય નથી- પાયલ રોહતગી
અભિનેત્રી પાયલ રોહતગીએ પણ અલ્લુ અર્જુન વિશે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહેતી જોવા મળે છે કે, મારી સંપૂર્ણ સંવેદના મૃતક મહિલા અને તેના પુત્ર સાથે છે. પરંતુ અલ્લુ અર્જુને તેને ત્યાં બોલાવ્યા ન હતા. તે એક જાહેર સ્થળે ગયો હતો. જ્યાં કોઈ પણ એક્ટર સુરક્ષા વ્યવસ્થાને મેનેજ કરી શકે નહીં. તેથી તેને દોષ આપવો બિલકુલ યોગ્ય નથી.'