મધુબાલાની બાયોપિકમાં વિલંબ થતાં સોની પિકચર્સને નોટિસ
- મધુબાલાનો પરિવાર વિલંબથી ભારે નારાજ
- પરિવાર પાસેથી બાયોપિક બનાવવાના રાઈટ્સ ખરીદાયાના બે વર્ષે પણ કોઈ પ્રગતિ નહિ
મુંબઈ : મધુબાલાની બાયોપિક બનાવવામાં વિલંબ થતાં મધુબાલાના પરિવારે સોની પિકચર્સને નોટિસ ફટકારી છે. બે વર્ષ પહેલાં સોની પિકચર્સએ મધુબાલાના પરિવાર પાસેથી બાયોપિક માટે રાઈટ્સ લીધા હતા.
જોકે, તે પછી આ બાયોપિકમાં કોઈ પ્રગતિ થઈ નથી.
મધુબાલાનાં બહેન મધુર બ્રિજ ભૂષણે કહ્યું હતું કે સમગ્ર પરિવાર મધુબાલાની યાદમાં કશુંક વિશેષ કરવા માગે છે પરંતું આ ફિલ્મ બનાવવામાં થયેલા વિલંબથી અમે બહુ વ્યથિત છીએ. અમે સોની પિક્ચર્સને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે તે ખરેખર આ ફિલ્મ બનાવવાનો ઈરાદો ધરાવે છે કે નહિ. એકથી વધુ ફિલ્મ સર્જકોએ મધુબાલાની બાયોપિક બનાવવામાં રસ દાખવ્યો હતો પરંતુ મધુબાલાના પરિવારજનોએ આગ્રહ સેવ્યો હતો કે તેમના દ્વારા અધિકૃત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ મધુબાલાની બાયોપિક નહિ બનાવી શકે.