‘સોનુ સૂદ હવે પોતાની રામાયણ બનાવશે....’ કંગનાનો શબરી-રામના ઉદાહરણ પર સોનુને ટોણો
Kangana Ranaut Mocks Sonu Sood: ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં કાવડ યાત્રાના રૂટ ઉપર પોલીસે તમામ હોટલો, દુકાનદારો અને સ્ટ્રીટ વેન્ડર્સને જાહેરમાં માલિકનું નામ લખવાની સૂચના આપી હતી. આ ચર્ચા વચ્ચે એક્ટર સોનુ સૂદે X પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લોકોને સલાહ આપી હતી કે, ‘તમામ દુકાનો ઉપર એક જ નેમપ્લેટ હોવી જોઈએ- માનવતા.’
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને આ પોસ્ટના કારણે ભારે વિરોધ અને સમર્થન મળી રહ્યું હતુ પરંતુ જ્યારે સોનુએ પોતાની વાત સમજાવવા ધર્મનું ઉદાહરણ આપ્યું તો વધુ એક વિવાદ ઉભો થયો હતો અને તેમાં ફરી લોકોએ કોરોનામાં મસીહા બનેલા સોનુ સૂદને ફરી ટ્રોલ કર્યા હતા.
શું છે સમગ્ર મામલો ?
બોલિવૂડ એક્ટર સોનુ સૂદની માનવતાવાળી પોસ્ટ પર એક વ્યક્તિએ વીડિયો શેર કરીને એક્ટરના વિચારોનો વિરોધ કર્યો તો સોનુ સુદે પોતાના બચાવમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલી રામ અને શબરીની ઘટનાનો સહારો લીધો હતો. આ ટ્વિટમાં સૂદે કહ્યું કે, ‘આપણા શ્રી રામજીએ શબરીના એઠાં બોર ખાધા હતા તો હું કેમ નથી ખાઈ શકતો. હિંસાને અહિંસાથી પરાજિત કરી શકાય છે મારા ભાઈ...બસ માનવતા જીવતી રહેવી જોઈએ. જય શ્રીરામ.’
કંગનાએ ઝંપલાવ્યું :
હવે કંગનાએ સોનુ સૂદનું આ નિવેદન પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા કહ્યું કે, “હવે તમે જાણો છો કે, સોનુ જી પોતાના તથ્યોને આધારે પોતાની રામાયણ બનાવશે. વાહ, શું વાત છે...બોલિવૂડમાંથી વધુ એક રામાયણ.”
કંગનાએ આ પોસ્ટ શેર કર્યા બાદ લોકોના વિધવિવિધ રિએક્શન આવી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું લોકોને મદદ કરવી એ એક ઢોંગ છે. અન્ય એક વ્યક્તિએ કંગના સામે વિરોધ કરતા લખ્યું કે, સોનુ સૂદે શાનદાર વાત કહી છે. ભગવાન રામ લોકોમાં ભેદભાવ ન કરે તો હું કોણ છું?
સોનુ સૂદે ફરી સ્પષ્ટતા આપી :
ક્યાંયને ક્યાંક સોનુ સૂદને લાગ્યું કે શ્રીરામ અને શબરી મુદ્દેના નિવેદનથી ખોટો મેસેજ જઈ રહ્યો છે તો તેણે આ મામલે ફરી સ્પષ્ટતા આપતા x પોસ્ટમાં કહ્યું કે, મેં ક્યારેય ભોજનમાં થૂંકનારાઓને સાચા નથી કહ્યાં. આ તેમનું ચરિત્ર છે, જે ક્યારેય બદલાશે નહીં. આ કર્મો માટે તેમને આકરી સજા પણ આપો. પરંતુ માનવતાને માનવતા જ રહેવા દો દોસ્ત. જેટલો સમય આપણે એકબીજાને સમજાવવામાં લગાવી રહ્યાં છીએ, તેટલો સમય જરૂરિયાતમંદ લોકો માટે આપવો જોઈએ...! આ સિવાય હું તમને બધાને કહી દઉં કે, હું યુપી સરકારના કામનો સૌથી મોટો પ્રશંસક છું. યુપી, બિહારનું દરેક ઘર મારો પરિવાર છે. યાદ રાખજો; રાજ્ય, શહેર, ધર્મ ગમે તે હોય, જો કોઈપણ જરૂર હોય તો જણાવજો. નંબર એ જ છે.”
ખુલાસો આપ્યા બાદ સોનુ સૂદના ફેન્સ પણ આ મામલે કૂદી પડ્યા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે સોનુ સૂદની વાત સાચી જ તો છે, માનવતાને માનવતા જ રહેવા દઈએ. કોરોનાના કપરા સમયગાળા દરમિયાન લોકોની સોનુ સૂદે ખૂબ મદદ કરી હતી, પરંતુ હવે જ્યારે તે માનવતાની વાત કરી રહ્યો છે તો એ જ લોકો તેનો વિરોધ કેમ કરી રહ્યા છે ?