ભૂષણ કુમારને મ્યુઝિક માફિયા કહેનાર સોનુ નિગમ હવે પાણીમાં

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
ભૂષણ કુમારને મ્યુઝિક માફિયા કહેનાર સોનુ નિગમ હવે પાણીમાં 1 - image


- સોશિયલ મીડિયા પર ટીકા, આ લોકો પણ રાજકારણી છે 

- મારી સાથે ખોટો ઝઘડો વહોર્યો છે તેવી ચિમકી આપી હતી, હવે ફરી તેના માટે ગીતો ગાશે

મુંબઈ: દોસ્તી કે દુશ્મની કશું કાયમી હોતાં નથી તેવી રાજકારણની કહેવત બોલીવૂડમાં પણ લાગુ પડે છે. હજુ ત્રણ વર્ષ પહેલાં જ ટી સીરીઝના માલિક ભૂષણ કુમારને મ્યુઝિક માફિયા ગણાવી તેમની સામે બેફામ આક્ષેપો કરનારા સોનુ નિગમે ફરી ભૂષણ કુમાર સાથે હાથ મિલાવી લીધા છે અને તેમની કંપની માટે ગીતો ગાવાની જાહેરાત કરી છે.

સોનુ નિગમે પોતે સોશિયલ મીડિયા પર ભૂષણ કુમાર સાથે બહુ આત્મીયતા દર્શાવતો વીડિયો પોસ્ટ કરી પોતાનાં નવાં  ગીતની જાહેરાત કરતાં તેના ચાહકોને આંચકો લાગ્યો હતો. કેટલાક લોકોએ લખ્યું હતું કે આ લોકો અને રાજકીય નેતાઓમાં ખરેખર કોઈ ફરક નથી.  કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાક્રમને એક નાટક ગણાવ્યો હતો. કોઈએ લખ્યું હતું કે લડો, જાહેરમાં એકબીજાને બેફામ અપશબ્દો કહો અને પછી સાથે આવ્યાનું નાટક કરો. ગજબનો તમાશો  છે. કોઈએ લખ્યું છે કે બધાને ઝઘડાવીને પોતે બંને પાછા એક થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં.

ત્રણ વર્ષ પહેલાં ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી બોલીવૂડમાં નેપોટિઝમ મામલે બહુ તડાફડી થઈ હતી. ત્યારે સોનુ નિગમે ભૂષણ કુમાર પર બહુ ગંભીર આક્ષેપો કર્યા હતા. સોનુએ કહ્યું હતું કે ભૂષણ કુમાર હવે તો તારું નામ લેવું પડશે. તું એ દિવસ ભૂલી ગયો કે જ્યારે મારા ઘરે આવીને એક આલ્બમ ગાવા માટે કરગરતો હતો. અબુ સાલેમથી બચાવી લેવાની આજીજી કરતો હતો. 

તે બહુ ખોટા માણસ સાથે ઝઘડો વહોર્યો છે. હવે મારી સામે ન આવીશ.  તે પછી ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાએ પણ સમગ્ર વિવાદમાં ઝંપલાવ્યું હતું અને સોનુ નિગમ પર પ્રહારો કર્યા હતા.

હવે ભૂષણ કુમાર અને સોનુએ જાણે કશું બન્યું જ ન હોય તેવો ડોળ કરી સાથે વીડિયો શેર કર્યો છે. સોનુ નિગમે આ વીડિયોમાં ભૂષણ કુમારને પોતાના નાનપણનાં નાના ભાઈ ગણાવ્યા છે અને કહ્યું છે કે અમે બંને ભાઈઓ તમને એકસાથે જ આ સારા સમાચાર સંભળાવશું. એ પછી બંનેએ સોનુના નવાં આલ્બમની જાહેરાત કરી હતી.


Google NewsGoogle News