સોનુ નિગમે પદ્મ પુરસ્કાર પર ઉઠાવ્યા સવાલ, આ સિંગર્સને સન્માન ન મળતાં નારાજ: જુઓ VIDEO
Sonu Nigam Shared Video On Padma Award: બોલિવૂડ સિંગર સોનુ નિગમે ફરી એકવાર રાષ્ટ્રીય સન્માન આપતાં પદ્મ ઍવૉર્ડ અંગે બળાપો કાઢ્યો છે. આ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા પદ્મ ઍવૉર્ડ 2025 મુદ્દે નિરાશા વ્યક્ત કરતાં સોનુ નિગમે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સવાલો ઉઠાવ્યા છે કે, 'સરકારે કેમ હજુ સુધી ઉમદા સિંગર્સને પદ્મશ્રીનું સન્માન આપ્યું નથી. એવા ઘણા ગાયકો છે કે, જે દરેક માટે પ્રેરણા છે, અને તેમની પ્રતિભાને ઓળખવી જોઈએ.'
સોનુ નિગમે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં કહ્યું છે કે, 'બે એવા ગાયકો છે જેમણે દુનિયાભરના ગાયકોને પ્રેરણા આપી છે. જેમાં ફક્ત એકને જ પદ્મશ્રી સુધી સીમિત રાખ્યા છે, તે છે મોહમ્મદ રફી સાહેબ. અને એક એવા છે જેમને હજુ સુધી પદ્મશ્રી પણ નસીબ થયો નથી, તે છે કિશોર કુમારજી. તેમને મરણોપરાંત ઍવૉર્ડ પણ મળ્યો નથી.
અલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલને શા માટે માન ન મળ્યું?
સોનુ નિગમે આગળ કહ્યું, 'અન્ય ઘણા ગાયકો છે, અલકા યાજ્ઞિક કે જેમની આટલી લાંબી અને અદ્ભુત કારકિર્દી રહી છે, તેમને આજ સુધી કંઈ મળ્યું નથી. શ્રેયા ઘોષાલ લાંબા સમયથી પોતાની કળા સાબિત કરી રહી છે. તે એક શ્રેષ્ઠ ગાયક છે. સુનિધિ ચૌહાણે પણ પોતાના અનોખા અવાજથી આખી પેઢીને પ્રેરિત કરી છે, પણ હજુ સુધી તેને પણ કંઈ મળ્યું નથી. ઉલ્લેખનીય છે, આ વર્ષે અરિજીત સિંહને પદ્મશ્રી ઍવૉર્ડ અને સ્વર કોકિલા ઑફ બિહાર તરીકે જાણીતી શારદા સિંહાને પદ્મ વિભુષણ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ વિકી કૌશલની ફિલ્મ છાવા પર વિવાદ: ડાયરેક્ટરે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, આ સીન હટાવાયો
ચાહકોને કરી અપીલ
વીડિયોના અંતમાં ગાયકે તેના ચાહકોને એવા લોકોના નામ પણ જણાવવા કહ્યું કે, જેમને હજુ સુધી પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા નથી, તેઓ તેના માટે લાયક હતા. પછી ભલે તે સંગીતની દુનિયા હોય કે, અભિનયની, વિજ્ઞાનની કે સાહિત્યની દુનિયા હોય. સોનુ નિગમે પોતાના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી વીડિયો શેર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું, 'ભારત અને તેના બાકી રહેલા પદ્મ ઍવૉર્ડ વિજેતાઓ.'
સોનુ નિગમને વર્ષ 2022માં પદ્મશ્રી સન્માન
સોનુ નિગમને વર્ષ 2022માં પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સન્માન મેળવ્યા બાદ સોનુ નિગમે નિરાશા વ્યક્ત કરી હતી કે, 'હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે.' તેણે પોતાની કારકિર્દીમાં 10000થી વધુ ગીતો લખ્યા છે. હિન્દી ઉપરાંત કન્નડ, ઉડિયા, બંગાલી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી, નેપાલી, ભોજપુરી ભાષામાં પણ પોતાની અવાજનો જાદુ ચલાવ્યો છે.