સોનુએ ચોરેલું ગીત ગાયા પછી પાકિસ્તાની સિંગરની માફી માગી
- ઓમર નદીમે ઉઠાંતરીનો આરોપ મુક્યો હતો
- સોનુનો બચાવ, આ ગીત ચોરવામાં આવ્યું છે એવી ખબર હોત તો ગાત જ નહીં
મુંબઈ : સોનુ નિગમે ચોરીનું ગીત ગાયા બાદ હવે પાકિસ્તાની સિંગર ઓમર નદીમની માફી માગી લીધી છે. સોનુએ એવો દાવો કર્યો છે કે પોતાને આ ગીત ચોરાયેલું છે તેવી ગાતાં પહેલાં ખબર જ ન હતી.
સોનુએ તાજેતરમાં ટી સીરીઝના ભૂષણ કુમાર સાથેની તેની પાછલી તકરારને ભૂલી જઈ ફરી ટી સીરીઝ માટે કામ કર્યું હતું. તેનું ગીત સુન ઝરા આ મહિને જ રીલીઝ થયું હતું. જોકે, આ ગીત રીલીઝ થતાં જ તે અંગે વિવાદ સર્જાયો હતો. પાકિસ્તાની ગાયક ઓમર નદીમે આક્ષેપ કર્યો હતો કે સોનુંનું સુન ઝરા ગીત તેનાં ઓરિજિનલ ગીત ઓયે ખુદાની બેઠી નકલ છે. ઓમર નદીમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાને ઓરિજિનલ ગીતની ક્રેડિટ આપ્યા વિના તેને તફડાવવા બદલ ટી સીરીઝ અને સોનુ નિગમની ઝાટકણી કાઢી હતી. ઓમર નદીમે પોતાનાં મૂળ ગીત તથા સોનુ નિગમે ગાયેલાં ગીતની ક્લિપ પણ રજૂ કરી હતી અને ચાહકોને તે સરખાવવા જણાવ્યું હતું. તેણે એમ પણ લખ્યુ હતું કે હું કારકિર્દીનાં એવા મુકામ પર છું કે મને આવી બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. પરંતુ, ભારતીય કંપની તથા ગાયકે મને ક્રેડિટ આપી હોત તો તેમનું પણ સારું લાગત.
આ વાત સોનુ નિગમના ધ્યાનમાં આવતાં તેણે દાવો કર્યો હતો કે તેણે નદીમનું ગીત આ પહેલાં ક્યારેય સાંભળ્યું જ ન હતું. પોતે કોઈ ચોરીનું ગીત ગાઈ રહ્યો છે તેવો તેને લેશમાત્ર પણ ખ્યાલ ન હતો. જો તેને પહેલેથી ખબર હોત કે આ ગીત મૂળ પાકિસ્તાની સિંગરનું છે તો તેણે તે ગાવાનું ક્યારેય પસંદ કર્યું ન હોત. તેણે લખ્યું હતું કે દુબઈમાં તેના પડોશી કમાલ આર. ખાનના કહેવાથી પોતે આ ગીત ગાઈ નાખ્યું હતું.
સોનુ નિગમની બોલીવૂડ કારકિર્દી લગભગ ખતમ થઈ ચુકી છે. તેણે ભૂતકાળમાં ટી સીરીઝ માટે અનેક હિટ ગીતો ગાયાં હતાં જોકે, ત્રણ વર્ષ પહેલાં તેના અને ભૂષણકુમાર વચ્ચે અણબનાવ સર્જાયો હતો અને સોનુ નિગમે તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, થોડા મહિના પહેલાં જ બંનેએ ગઈ ગુજરી ભૂલી જઈ વર્ષો જૂના મિત્રોની જેમ સાથે ફોટા પડાવી આલ્બમની જાહેરાત કરી હતી.