સોનાલી ફોગાટની અંતિમ ફિલ્મનું ગીત પુત્રી યશોધરા પર પિક્ચરાઈઝ થશે
- સોનાલીની બાયોપિક બનાવવા પણ વિચારણા
- ફિલ્મ પ્રેરણાનું પોસ્ટર યશોધરાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યું
મુંબઇ : સોનાલી ફોગાટની અંતિમ ફિલ્મ પ્રેરણાનું પોસ્ટર તેની દીકરી યશોધરા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સોનાલીના કંઠે ગવાયેલાં એક ગીતનું પિક્ચરાઈઝેશન પણ યશોધરા પર કરવામાં આવશે.
આ પ્રસંગે સોનાલીની પુત્રીએ જણાવ્યું હતું કે, હું જાણતી હતી કે મારી માતા આ ફિલ્મ બનાવી રહી છે. આ એક મોટિવેશનલ ફિલ્મ છે.
ફિલ્મના સર્જકોએ જણાવ્યું હતું કે યશોધરા પર ગીતનું ફિલ્માંકન કરવાનું હોવાથી આ ફિલ્મની રિલીઝ ડેટ થોડી પાછી ઠેલાઈ છે.
સોનાલી પર બાયોપિક બનાવવા માટે પણ વિચારણા શરુ થઈ છે એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન યશોધરાએ પોતાની માતાની હત્યાનો ભેદ ઉકેલવા સીબીઆઈ તપાસની માગણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગોવા પોલીસ આરોપીઓ પાસેથી સત્ય બહાર કઢાવી શકી નથી. અમને સરકાર પર વિશ્વાસ છે, પરંતુ સરકાર સંપૂર્ણ રીતે આ હત્યાના મામલે સહકાર નથી આપી રહી. મારી માતાની હત્યા પાછળ કોઇ રાજકારણીનો હાથ હોવાની શંકા છે જેને બચાવાની કોશિષ કરવામાં આવી રહી છે. તેથી જ સરકાર સીબીઆઇની તપાસ નથી કરાવી રહી.
સોનાલી ફોગાટની તા. ૨૩મીએ ગોવામાં નશીલો પદાર્થ ખવડાવીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યામાં પીએ સુધીર સાંગવાન સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.