સોનાક્ષીને અક્ષય કુમાર સાથે 'રાઉડી રાઠોર' કરવાનો 12 વર્ષે અફસોસ
- ફિલ્મમાં અક્ષયે અભદ્ર રીતે સંબોધન કર્યું હતું
- તે વખતે ભૂલ થઈ પરંતુ હવે પછી પોતે એવી ભૂમિકા નહિ કરે તેવી સોનાક્ષીની કેફિયત
મુંબઈ: સોનાક્ષી સિંહાએ ફિલ્મ 'રાઉડી રાઠોર'માં ભૂમિકા કરવા બદલ હવે ૧૨ વર્ષ પછી અફસોસ વ્યક્ત કર્યો છે.
'રાઉડી રાઠોર' ફિલ્મમાં અક્ષય કુમાર સોનાક્ષીને કમરથી જકડી લે છે અને પછી તે પોતાની ગર્લફ્રેન્ડ છે એવું કહેવા સ્ત્રીઓ માટે ઉપયોગમાં લેવાતા એક અભદ્ર સંબોધનનો ઉપયોગ કરે છે. આ સંબોધનમાં સ્ત્રીને એક વસ્તુ કે મિલ્કતની જેમ ગણવામાં આવી હતી.
હવે એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કબૂલ્યું છે કે પોતાને આ સીન બહુ અરુચિકર લાગ્યો છે. ખાસ કરીને એવું સંબોધન પોતે સાંખી શકે તેમ નથી. આજે હવે અફસોસ થઈ રહ્યો છે કે પોતે શા માટે એ ફિલ્મ અને ખાસ કરીને પોતાના માટે એ સંવાદ માટે સંમત થઈ હતી.
સોનાક્ષીએ જણાવ્યું હતું કે અક્ષય જેવા સ્ટાર, પ્રભુ દેવા જેવા દિગ્દર્શક અને સંજય લીલા ભણશાળી જેવા પ્રોડયૂસર હોવાના કારણે પોતે કશું વિચાર્યા સમજ્યા વગર સંમત થઈ હતી પરંતુ હવે પોતે આવી ભૂલ નહિ જ કરે. ઉલ્લેખનીય છે કે રાઉડી રાઠોરનો બીજો ભાગ બનવાનો હોવાની વાત ચાલે છે અને તાજેતરમાં અક્ષયની એક પછી એક ફિલ્મો નિષ્ફળ જઈ રહી હોવાથી તેને બીજા ભાગમાં રોલ નહીં મળે એ લગભગ નક્કી મનાય છે.