શોભિતા અને નાગા ચૈતન્યનાં લગ્ન ધૂમધામથી સંપન્ન
- સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
- હૈદરાબાદના સ્ટુડિયોમાં સ્નેહીઓ , પરિવારજનોની હાજરીમા વિધિ પાર પડી
મુંબઇ : શોભિતા ધૂલીપાલા અને નાગાચૈતન્યનાં લગ્ન આખરે વિધિપૂર્વક અને ભારે ધામધૂમથી સંપન્ન થયાં હતાં. તેમનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
નાગા ચૈતન્યના પરિવારની માલિકીના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં લગ્ન સમારોહ યોજાયો હતો. આશરે આઠ કલાક સુધી જુદી જુદી વિધિઓ ચાલી હતી. તેમના લગ્નમાં પરિવારજનો તેમજ અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નાગા ચૈતન્ય ક્લાસિક શેરવાનીમાં સજ્જ થયો હતો જ્યારે શોભિતા દુલ્હન તરીકે ગોલ્ડન સાડીમાં દીપી ઉઠી હતી. નાગા ચૈતન્યએ શોભિતાને મંગળસૂત્ર પહેરાવ્યું ત્યારે તેની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં હતાં.
નાગાર્જુન સહિતના પરિવારજનોએ બાદમાં લગ્નની ઓફિશિયલ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
નાગા ચૈતન્યનાં આ બીજાં લગ્ન છે. અગાએ તે હિરોઈન સામંથા રુથ પ્રભુને છૂટાછેડા આપી ચૂક્યો છે. આજે લગ્નની તસવીરો વાયરલ થઈ તે સાથે સામંથાના ચાહકોએ નાગા ચૈતન્ય અને ખાસ કરીને શોભિતાને ભારે ટ્રોલ કર્યાં હતાં.