રામાયણની સીતા તથા મહાભારતના ભીષ્મ આદિપુરુષના રાવણથી નારાજ
- માત્ર અંધાધૂંધ ખર્ચાથી રામાયણ-મહાભારત ના બને
- દિગ્દર્શક ઓમ રાઉતનો લૂલો બચાવઃ મોબાઈલ પર જોઈને જજ ના કરો, ફિલ્મ મોટી સ્ક્રીન માટે બનાવી છે
મુંબઈ : બરાબર દશેરા સમયે રામાયણ આધારિત 'આદિપુરુષ'નું ટીઝર અયોધ્યામાં રજૂ કરી મહત્તમ પબ્લિસિટી ખાટવાનો તેના નિર્માતાઓનો દાવ અવળો પડયો છે. ફિલ્મમાં ખાસ કરીેને સૈફ અલી ખાનના રામાયણના લૂકની ભારે ટીકા થઈ રહી છે. હવે આ ટીકામાં ટીવી સીરિયલ રામાયણની સીતા દીપિકા ચિખલિયા તથા મહાભારતના ભીષ્મ પિતામહ મુકેશ ખન્ના પણ જોડાયા છે.
મુકેશ ખન્નાએ કહ્યું હતું કે લોકોના મનમાં પૌરાણિક પાત્રો વિશે એક ઈમેજ બંધાયેલી હોય છે. કોઈએ તેની સાથે ચેડાં કરવાં જોઈએ નહીં. માત્ર ૧૦૦ કરોડ કે ૧૦૦૦ કરોડ ખર્ચી નાખવાથી અને સ્પેશ્યલ ઈફેક્ટસ ઉમેરી દેવાથી રામાયણ કે મહાભારત બની જાય નહીં. તેના માટે પાત્રાલેખન, પરફોર્મન્સ, દેખાવ, સંવાદો અને બીજી ઘણી બાબતો પણ મહત્વની હોય છે.
રામાયણની સીતા દિપીકા ચિખલીયાએ પણ જણાવ્યું હતું કે કોઈ ફિલ્મનું કેરેક્ટર પ્રેક્ષકોને અપીલ કરે તેવું જ હોવું જોઈએ. રાવણ લંકાનરેશ હતો તો તેને મોગલો જેવો લૂક શા માટે અપાયો હશે તે સમજાતું નથી. ભલે આ ટીઝર માત્ર ૩૦ સેકન્ડનું જ હોય પરંતુ તેનો રાવણ સાવ જ જુદો લાગે છે એ હકીકત છે.
દરમિયાન, ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતે આ ફિલ્મનાં ટીઝરની વ્યાપક ટીકા સંદર્ભમાં એવો પાંગળો બચાવ કર્યો હતો કે લોકો મોબાઈલ પર ટીઝર જોઈને જજમેન્ટ આપી રહ્યા છે તે યોગ્ય નથી કારણ કે આ ફિલ્મ મોટા પડદા માટે બની છે. વીએફએક્સ વિશે અભિપ્રાય મોટી સ્ક્રીન પર જ આપી શકાય. મારું ચાલ્યું હોત તો હું આ ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થવા જ ના દેત.