જાણીતા સિંગરે લકવાના કારણે અવાજ ગુમાવ્યો, બે વર્ષ બાદ કર્યો ખુલાસો, કહ્યું- ખુદથી જ નફરત થઈ હતી
Singer Shekhar Ravjiani: સોનમ કપૂર અભિનીત નીરજામાં અભિનય કરનારા અને હીટ સિંગર શેખર રવજિયાની છેલ્લા કેટલાક વર્ષથી ઈન્ડસ્ટ્રીમાંથી ગુમ થયા હતા. જેની પાછળનું કારણ જાણી તેમના ચાહકો ચોંકી ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પ્રથમ વખત ખુલાસો કરતાં સૌ કોઈ ભાવુક થયા હતા.
સોશિયલ મીડિયા પર રવજિયાનીએ લખ્યું હતું કે, 'અગાઉ ક્યારેય ન કરેલી વાત હું આજે કરવા જઈ રહ્યો છું. મેં બે વર્ષ પહેલાં કોવિડ બાદ લકવો થઈ જતાં મારો અવાજ ગુમાવ્યો હતો. રવજિયાણીએ પોતાના અનેક સુમધુર ગીતોથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. તુઝે ભુલા દિયા, બિન તેરે અને મહેરબાન જેવા હિટ ટ્રેક આપ્યાં છે. આ સિવાય ઘણા ગીતો માટે મ્યુઝિક પણ કમ્પોઝ કર્યા છે.'
અવાજ પાછો મળતાં ઈન્ડસ્ટ્રીમાં પરત ફર્યા
શેખર રવજિયાણીએ સારવાર દરમિયાનો અનુભવ રજૂ કરતાં કહ્યું કે, 'ડો. એરિન વોલ્શ જેમને કોવિડના લીધે હું મળી શક્યો ન હતો. પરંતુ ઝૂમ વીડિયો કોલ મારફત તેમણે મને ખૂબ મદદ કરી. હું રડી પડ્યો હતો જ્યારે મેં તેમને કહ્યું કે, હું ફરીથી ગાવા માંગુ છું. હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. પરંતુ તેમણે મને વિશ્વાસ અપાવ્યો અને આશાનું કિરણ બતાવ્યું કે, હું ફરી ગાઈ શકીશ.'
ધરતી પર પરી બન્યા ડો. એરિન વોલ્શ
પોતાની વ્યથા ઠાલવતાં લખ્યું કે, 'સારવાર દરમિયાન ખૂબ રડતો અને કર્કશ અવાજમાં બૂમો પાડતો, ગુસ્સો કરતો પરંતુ મારા ડોક્ટર અડગ રહ્યા, તેઓ નિષ્ઠાપૂર્વક સારવાર કરતાં રહ્યા અને થોડા જ સપ્તાહમાં મારો લકવાગ્રસ્ત ડાબો વોકલ કોર્ડ સાજો કરી દીધો. હવે હું સારી રીતે ગાઈ શકું છું. ડો. એરિન વોલ્શ ધરતી પર પરી સમાન છે.'
પોઝિટિવ રહેવા આપી સલાહ
જે લોકોએ કોવિડ બાદ પોતાનો અવાજ ગુમાવ્યો છે, તેમના માટે એક જ રસ્તો છે કે, તમે પોઝિટિવ રહો અને વિશ્વાસ રાખો. આશાનું કિરણ હંમેશા તમારા મનમાં હોવુ જોઈએ.