સિંઘમ અગેઈન તથા ભૂલભૂલૈયા થ્રીના સર્જકો વચ્ચે કોપીરાઈટ બાબતે અંટસ
- યુ ટયૂબ પર સિંઘમ થીમ સોંગનો વીડિયો ગાયબ
- મૂળ સિંઘમ થીમ પરના કોપીરાઈટ ટી સીરિઝ પાસે હોવાથી તેણે કોપીરાઈટનો વાંધો લીધો
મુંબઈ : અજય દેવગણની 'સિંઘમ અગેઈન' તથા કાર્તિક આર્યનની 'ભૂલભૂલૈયા થ્રી'ના સર્જકો અગાઉ રીલિઝ ડેટ તથા થિયેટર્સમાં શોની વહેંચણી બાબતે ઝઘડયા બાદ હવે કોપીરાઈટ મુદ્દે પણ તેમની વચ્ચે તકરાર થઈ છે.
યુ ટયૂબ પર 'સિંઘમ અગેઇન'નું ટાઈટલ સોંગ રજૂ થયું હતું. તેમાં મૂળ સિંઘમ થીમનો ઉપયોગ કરાયો હતો. જોકે, ૨૦૧૧માં રજૂ થયેલી મૂળ સિંઘમ ફિલ્મના થીમ મ્યુઝિકના કોપીરાઈટ્સ ટી સીરિઝ પાસે છે. આથી 'ભૂલભૂલૈયા થ્રી'ની નિર્માતા કંપની ટી સીરિઝે તરત જ 'સિંઘમ અગેઇન'ના ટાઈટલ સોંગ સામે કોપીરાઈટ ઉલ્લંઘનનો વાંધો ઉઠાવ્યો હતો.
તેને પગલે યુ ટયૂબ પરથી 'સિંઘમ અગેઇન'નું ટાઈટલ સોંગ થોડા સમય માટે ગાયબ થઈ ગયું હતું. બાદમાં આ સોંગ ફરીથી અપલોડ કરાયું ત્યારે તેમાં મૂળ સિંઘમની ટાઈટલ થીમ એડિટ કરી દેવામાં આવી હતી.
એક ચર્ચા અનુસાર મોટાભાગે અન્ય ફિલ્મોના કિસ્સામાં ત્રણ-ચાર દિવસ પહેલાંથી એડવાન્સ બૂકિંગ શરુ થઈ જતું હોય છે પરંતુ આ બે ફિલ્મોના સર્જકો વચ્ચે શોઝની વહેંચણી બાબતે થયેલી તકરારમાં એડવાન્સ બૂકિંગ પણ બહુ મોડું શરુ થયું છે.
મોટાભાગે મલ્ટીપ્લેક્સીસ દ્વારા ૬૦ ટકા શોઝ 'સિંઘમ અગેઇન'ને ફાળવાયા છે જ્યારે ૪૦ ટકા શોઝ 'ભૂલભૂલૈયા થ્રી'ને ફાળવાયા છે.
બંને ફિલ્મોનાં બોક્સ ઓફિસ પરફોર્મન્સના આધારે આ શોઝની સંખ્યામાં વધારોઘટાડો થશે.