મનિષા કોઈરાલાએ નવો પાર્ટનર શોધી લીધો હોવાનો સંકેત
- હું એકલી જિંદગી જીવું છું એવા ભ્રમમાં ન રહેશો
- ૨૦૧૦માં લગ્ન કરનારી મનિષાના ૨૦૧૨માં જ છૂટાછેડા થઈ ગયા હતા
મુંબઈ: ૯૦ના દાયકાની ટોચની હિરોઈન અને તાજેતરમાં સંજય લીલા ભણશાળીની વેબ સીરિઝ 'હીરામંડી'માં મુખ્ય ભૂમિકાને લીધે ચર્ચામાં આવેલી મનિષા કોઈરાલાએ પોતાની જિંદગીમાં કોઈ પાર્ટનર હોવાનો સંકેત આપ્યો છે.
તાજેતરમાં એક સંવાદમાં તેને તેની એકલવાયી જિંદગી વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે સામો સવાલ કર્યો હતો કે તમે એવું કઈ રીતે ધારી લીધું કે હું અત્યારે એકલી છું. મારી સાથે કોઈ નથી એવા ભ્રમમાં ન રહેશો.
જોકે, મનિષાએ પોતાની જિંદગીમાં કોણ છે તેની વિગતો આપી નથી.
મનિષાએ ૨૦૧૦માં એક બિઝનેસમેન સમર્થ દહલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ૨૦૧૨માં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તે પછી મનિષાએ પોતાની અંગત જિંદગીની વિગતો બહુ જાહેર કરી નથી.
મનિષા જ્યારે કારકિર્દીમાં ટોચ પર હતી ત્યારે નાના પાટેકર સાથે તેનું અફેર ચાલતું હોવાની અફવાઓ બહુ ચગી હતી.