ફાઈનાન્સના વાંકે મિટ્ટી ફિલ્મમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રા આઉટ
- ફ્લોપ સ્ટાર સિદ્ધાર્થ પર કોઈ જોખમ લેવા તૈયાર નહિ
- કબિરસિંઘ અને એનિમલથી જાણીતા નિર્માતા મુરાદ ખેતાની હવે નવા હિરોની શોધમાં
મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા અનસેલેબલ સ્ટાર માટે કોઈ ફાઈનાન્સિઅર ફાઈનાન્સ કરવા તૈયાર નહિ થતાં આખરે 'મિટ્ટી' ફિલ્મમાંથી તેને પડતો મૂકાયો હોવાનું કહેવાય છે. નિર્માતા હવે આ ફિલ્મ માટે નવા હિરો શોધી રહ્યા છે.
'કબીરસિઘ' અને 'એનિમલ' જેવી હિટ ફિલ્મો બનાવી ચૂકેલા નિર્માતા મુરાદ ખેતાનીની ફિલ્મ 'મિટ્ટી'નું શૂટિંગ આવતા મહિને ઉત્તરાખંડમાં શરુ થવાનું હતું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ સામે સાઉથની શ્રીલીલાની પસંદગી થઈ હોવાની અટકળો હતી. જોકે, સિદ્ધાર્થ ટિકિટબારી પર એટલો સેલેબલ સ્ટાર નથી ગણાતો. તેની છેલ્લી ફિલ્મ 'યોદ્ધા' ફલોપ ગઈ હતી. આથી, નિર્માતાને સમયસર કોઈ ફાઈનાન્સિઅર મળ્યા જ ન હતા. આથી, આખરે સિદ્ધાર્થે આ ફિલ્મ છોડવી પડી હોવાનું કહેવાય છે.
એક દાવા અનુસાર સિદ્ધાર્થ કોઈ મોટો હિટ કલાકાર નહિ હોવા છતાં પણ તેણે અનેક પ્રકારે નખરા ંદેખાડવાં શરુ કર્યાં હતાં એટલે તેને દરવાજો દેખાડી દેવાયો છે. જોકે સિદ્ધાર્થની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મની સ્ક્રિપ્ટ બાબતે સિદ્ધાર્થ અને ડાયરેક્ટર બલવિંદરસિંઘ જુનેજા વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા.
તેના કારણે સિદ્ધાર્થે સામે ચાલીને આ ફિલ્મ છોડી છે.