સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં સિદ્ધાંત અને મૃણાલ
- બંને સંગીતકારોની ભૂમિકા ભજવશે
- બૈજુ બાવરા પડતી મુકાયા પછી આ મ્યુઝિકલ ફિલ્મ શરુ કરાતાં અનેક અટકળો
મુંબઇ : સંજય લીલા ભણશાળીની આગામી મ્યુઝિકલ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર સંગીતકારો તરીકેની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.
સંજય ભણશાલીની આ ફિલ્મ એક એક રોમેન્ટિક ડ્રામા હશે જેનું દિગ્દર્શન રવિ ઉદયવાર કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનાથી શરૂ કરવાની યોજના છે.
સંજય લીલા ભણશાળીએ તાજેતરમાં રણબીર, આલિયા અને વિક્કી કૌશલ સાથે 'લવ એન્ડ વોર' બનાવવાની જાહેરાત કરી છે. તેમણે પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ 'બૈજુ બાવરા' બજેટના અભાવે પડતી મુકી દીધી છે. જોકે, હવે આ મ્યુઝિકલ રોમાન્સ માટે હિલચાલ શરુ થતાં અનેક અટકળો શરુ થઈ છે.
ફિલ્મ જગતના વર્તુળોએ જણાવ્યું હતું કે મૃણાલ અને સિદ્ધાંતની પસંદગી સૂચવે છે કે આ એક લો અથવા તો મિડિયમ બજેટ ફિલ્મ હશે. સંજય લીલા ભણશાળી માત્ર પ્રોડયૂસર તરીકે જ હશે. કદાચ સંજય લીલા ભણશાળી પાસે કોઈ મ્યુઝિકલ રોમાન્સને લગતી વાર્તા છે જેનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. આ ફિલ્મ બન્યા પછી તેઓ 'બૈજુ બાવરા'નો પ્રોજેક્ટ ફરી કયારેય રિવાઈવ કરશે કે નહીં તે એક સવાલ છે.