સિંઘમ અગેઈનની ભીડમાં શ્વેતા તિવારીનો પણ ઉમેરો
- કોના ભાગે કેટલું કામ આવશે તે સવાલ
- મોટાભાગે સોશિયલ મીડિયા પર જ સક્રિય શ્વેતા તિવારીને આખરે એકાદી ફિલ્મ મળી
મુંબઇ : રોહિત શેટ્ટીએ 'સિંઘમ અગેઈન'માં કલાકારોનો શંભુમેળો ભેગો કર્યો છે. તેમાં હવે ટીવી સ્ટાર શ્વેતા તિવારીનો પણ ઉમેરો થયો છે.
અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર, દીપિકા સહિતના અનેક કલાકારોનો કાફલો ધરાવતી ફિલ્મમાં શ્વેતા તિવારીના ભાગે કેટલોક રોલ હશે તે એક મોટો સવાલ છે.
જોકે, શ્વેતા તિવારીને આ ફિલ્મ કરવામાં ફાયદો જ ફાયદો છે. મૂળ ટીવી સ્ટાર શ્વેતા તિવારીને ક્યારેય બોલીવૂડમાં કોઈ મોટી ફિલ્મ મળી નથી. હવે આ ફિલ્મ મળતાં તેનું નામ એટલું ચર્ચામાં આવ્યું છે.
શ્વેતા તિવારી અગાઉ રોહિત શેટ્ટીની વેબ સીરીઝમાં કામ કરી ચૂકી છે એટલે તેને રોહિતે 'સિંઘમ અગેઈન'માં પણ એકાદી નાનકડી ભૂમિકા આપી દીધી છે એમ મનાય છે.
શ્વેતા તિવારી કરતાં હાલ તેની દીકરી પલક તિવારી વધારે ચર્ચામાં છે. પલક અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ વચ્ચે ડેટિંગ ચાલતું હોવાનું કહેવાય છે. બંને વારંવાર સાથે જોવા મળે છે. જોકે, પલક ખુદ બોલીવૂડમાં કોઈ મોટી સફળતાની તલાશમાં છે અને હાલ પૂરતાં તો સોશિયલ મીડિયા સેન્સેશન બનીને જ રહી ગઈ છે.