શ્રુતિ હસને બોયફ્રેન્ડ શાંતનુ સાથે છૂપાં લગ્ન કરી લીધાંનો દાવો
- ઓરીએ સિક્રેટ મેરેજનું પેપર ફોડયું
- એક સંવાદમાં ઓરીએ શાંતનુનો ઉલ્લેખ શ્રુતિના પતિ તરીકે કર્યો, શ્રુતિ તરફથી પુષ્ટિ નહીં
મુંબઈ : સાઉથની એકટ્રેસ શ્રુતિ હસન તેના બોયફ્રેન્ડ શાંતનુ હઝારિકા સાથે ગૂપચૂપ પરણી ચૂકી હોવાની અટકળો ફેલાઈ છે. તાજેતરમાં અનેક ફિલ્મ સ્ટાર્સના મિત્ર ઓરીએ એક સંવાદમાં શાંતનુનો ઉલ્લેખ શ્રુતિના પતિ તરીકે કર્યો હતો.
એક સોશિયલ મીડિયા સાઈટ પર ઓરીએ કહ્યું હતું કે શ્રુતિ મારી સાથે ક્યારેક બહુ રુક્ષ વર્તાવ કરે છે પરંતુ તેનો પતિ શાંતનુ મારી સાથે બહુ સારી રીતે વર્તે છે.
ઓરીએ ઝટપટ વાત કરવામાં શ્રુતિના સિક્રેટ મેરેજનું પેપર ફોડી નાખ્યું છે એમ તેના ચાહકો માની રહ્યા છે.
શ્રુતિ ખુદ થોડા સમય પહેલાં એમ જણાવી ચૂકી છે કે હાલ તેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી કારણ કે તેને લગ્ન શબ્દથી જ બીક લાગે છે.
ઉલ્લેખનીય છે કે શ્રુતિના પિતા કમલા હસન અને માતા સારિકા બહુ લાંબા સમય પહેલાં છૂટાં પડી ચૂક્યાં છે. માતા-પિતાના દામ્પત્યના વિખવાદની અસર શ્રુતિ પર પણ પડી હોવાનું કહેવાય છે.
શ્રુતિએ જોકે, શાંતનુ સાથેના તેના સંબંધ ક્યારેય છૂપાવ્યા નથી. તેના પોતાના દાવા અનુસાર કોઈ પતિ પત્ની વચ્ચે હોય તેના કરતાં અનેકગણી સમજણ તેમના બંને વચ્ચે પ્રવર્તે છે.
શ્રુતિની પ્રભાસ સાથેની ફિલ્મ 'સાલાર' તાજેતરમાં રીલીઝ થઈ છે. તેના કારણે તે ફરી ચર્ચામાં આવી છે.