બોલિવૂડના જાણીતા અભિનેતાના નિધનની અફવા ફેલાઈ, કહ્યું- હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું...
Image: Twitter
Shreyas Talpade Death Hoax: જાણીતા બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહી હતી કે, શ્રેયસ તલપડેનું નિધન થઈ ગયું છે. ત્યારબાદ ખુદ એક્ટરે પોતાના નિધનની આ ફેક ન્યુઝ વિશે જાણ થતા જ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી. પોસ્ટમાં એક્ટરે જણાવ્યું કે હું જીવિત છું, ખુશ છું અને સ્વસ્થ છું. આ સાથે જ એક્ટરે પોતાના ચાહકોનો આભાર પણ માન્યો.
શ્રેયસે કરી આ પોસ્ટ
શ્રેયસે પોસ્ટમાં લખ્યું કે, હું બધાને જણાવવા માંગુ છું કે, હું જીવિત છું, ખુશ છું અને સ્વસ્થ છું. મને એ પોસ્ટ વિશે જાણ થઈ જેમાં મારા નિધનનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હું સમજુ છું કે હ્યુમરની પોતાની એક જરૂર છે પરંતુ જ્યારે તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનાથી સાચો નુકસાન પહોંચી શકે છે. કોઈકે મજાકમાં આ ખોટા સમાચાર ફેલાવ્યા હતા પરંતુ હવે તેનાથી બધા ટેન્શનમાં આવી ગયા છે અને જે લોકો મારી ચિંતા કરે છે અને ખાસ કરીને મારી ફેમિલીના ઈમોશન્સ સાથે ખિલવાડ થઈ રહ્યો છે.
શ્રેયસે આગળ લખ્યું કે, મારી નાની દીકરી છે જે દરરોજ સ્કૂલ જાય છે તે મારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતામાં રહે છે અને સતત સવાલ કરે છે અને જાણવા માંગે છે કે હું ઠીક છું કે નહીં. આ ખોટી અફવાઓ તેને વધુ દુઃખી કરે છે અને વધુ સવાલ કરવા માટે મજબૂર કરે છે. જે લોકો આ પ્રકારના કન્ટેન્ટ પુશ કરી રહ્યા છે તેઓ તાત્કાલિક ધોરણે આ બંધ કરે અને તેનાથી પડતી અસર વિશે વિચારે. કેટલાક લોકો હકીકતમાં મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને હાસ્યને આ રીતે યુઝ કરતું જોઈને દિલને ઠેસ પહોંચે છે.
જે વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તે તો આનાથી પ્રભાવિત થાય જ છે પરંતુ તેની સાથે એ લોકો પણ પ્રભાવિત થાય છે જે લોકો તેની સાથે જોડાયેલા છે જેમ કે ફેમિલી અને ખાસ કરીનેનાના બાળકો જે આ પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજી પણ નથી શકતા. કૃપા કરીને આ રોકો. આવું કોઈની પણ સાથે ન કરો. હું નથી ઈચ્છતો કે, તમારી સાથે પણ આવું થાય તો પ્લીઝ સેન્સેટિવ બનો.
તમને જણાવી દઈએ કે, 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ દરમિયાન એક્ટરને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે એક્ટર હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.