ભૂલભૂલૈયા થ્રી માટે બે અલગ અલગ ક્લાઈમેક્સનું શૂટિંગ
- ફિલ્મ દિગ્દર્શક અનીસ બઝમીનો દાવો
- ફિલ્મમાં ક્યો ક્લાઈમેક્સ છે તેની જાણ કાર્તિક આર્યન તથા વિદ્યા બાલનને પણ કરાઈ નથી
મુંબઇ : કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સહિતના કલાકારોની ફિલ્મ 'ભૂલભૂલૈયા થ્રી'ના અલગ અલગ બે ક્લાઈમેક્સ શૂટ કરાયા છે. જોકે, ફિલ્મમાં છેવટે કયો ક્લાઈમેક્સ સમાવાયો છે તેની જાણ મુખ્ય કલાકારોને પણ કરાઈ નથી તેવો દિગ્દર્શક અનીસ બઝમીનો દાવો છે. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે બે એન્ડ વિચારાય ાહતા અને તેનું અલગ અલગ શૂટિંગ કરાયું હતું. કલાકારો પૂરી તલ્લીનતાથી તથા સાહજિક રીતે કામ કરે તે માટે તેમને પણ ખરેખર ફિલ્મનો અંત ક્યાં આવે છે તેની જાણ કરાઈ નથી.
ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જયપુરમાં યોજાયેલી એક ઈવેન્ટમાં રીલિઝ કરાયું હતું. જોકે, ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ સાંપડયા છે. કેટલાક ચાહકોએ મંજુલિકા જેવાં આઈકોનિક કેરેક્ટરને ત્રીજા ભાગમાં કોેમેડી સ્વરુપે રજૂ કરાયું હોવાનું જણાવી તેની ટીકા કરી છે.
કેટલાક લોકોએ તો ટ્રેલર જોયા પછી આ ફિલ્મની 'સિંઘમ અગેઈન' સાથેની રીલિઝ ટાળવી જોઈએ તેવી પણ સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે 'સિંઘમ અગેઇન'ના ટ્રેલરને પણ એકસરખો આવકાર મળ્યો નથી. અનેક કલાકારોએ દીપિકા પદુકોણ સહિતના કલાકારોની ટીકા કરી છે.