દિલ્હીમાં અતિશય ગરમીને લીધે આયુષ્યમાનની ફિલ્મનું શૂટિંગ રદ
- હવે આ શૂટિંગ જુલાઈ મહિનામાં થશે
- આયુષ્યમાન એક એક્શન કોમેડી ફિલ્મના શૂટ માટે એક મહિનો દિલ્હીમાં રોકાવાનો હતો
મુંબઈ : દેશના કેટલાય ભાગોમાં હાલ હીટવેવની કન્ડિશન પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારું આયુષ્યમાન ખુરાનાની એક ફિલ્મનું શૂટિંગ હાલ રદ કરી દેવામાં આવ્યું છે. આયુષ્માન હાલ સારા અલી ખાન સાથે એક એક્શન કોમેડી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મનુ ંએક મહિનાનું શિડયૂલ આગામી દિવસોમાં દિલ્હીમાં ગોઠવાયુ હંતું. જોકે, દિલ્હીમાં તાપમાન ૪૭ ડિગ્રીને આંબી જતાં તથા આગામી દિવસોમાં હજુ પણ અતિશય ગરમીનો વર્તારો હોવાથી ફિલ્મની ટીમે હાલ આ શૂટિંગ માંડી વાળ્યું છે. હવે આગામી જુલાઈ માસમાં નવી તારીખોનું એડજેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. ફિલ્મની ટીમના એક સભ્યએ જણાવ્યુ ંહતું કે આટલી ગરમીમાં આઉટડોર કે ઈનડોર શૂટિંગ કરવામાં પણ તકલીફ પડે તેમ હતી. ફિલ્મના યુનિટમાં ઓછામાં ઓછા ૨૦૦થી ૩૦૦ માણસોની હાજરીની જરુર હોય છે. તેમાંથી કોઈ ગરમી વખતે બીમાર પડી શકે તેમ હતું.
આ બધાં પરિબળોને ધ્યાને રાખીને શૂટિંગ મુલત્વી કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન થોડા દિવસો પહેલાં અમદાવાદમાં આઈપીએલની મેચ વખતે હીટ સ્ટ્રોકનો ભોગ બન્યો હતો અને તેણે હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી હતી.
અમદાવાદ કે દિલ્હી જેવાં શહેરોની સરખામણીએ મુંબઈમાં ઉનાળા વખતે મહત્તમ ૩૮-૩૯ ડિગ્રી તાપમાન જ રહેતું હોય છે. જોકે, મુંબઈમાં માત્ર અતિશય બફારો જ અનુભવાતો હોય છે. આ વાતાવરણમાં રહેવા ટેવાયેલા ફિલ્મ કલાકારો ઉત્તર કે પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારોનું ટેમ્પરેચર સહન કરી શકતા નથી.