પુષ્પા 2, બાહુબલી, દંગલ અને શોલે પણ જીતેન્દ્રની એક ફિલ્મનો રેકોર્ડ તોડી નથી શકી, જાણો એ સુપરહીટ ફિલ્મ વિશે
Jitendra's Blockbuster Film: ભારતની સર્વકાલીન સફળ ફિલ્મોની યાદી બનાવવાની આવે એટલે તરત શોલે, દંગલ, બાહુબલી, આરઆરઆર, જવાન, પઠાણ અને પુષ્પા 2 જેવી ફિલ્મો યાદ આવે. પણ જો કોઈ એમ કહે કે આ એક હિન્દી ફિલ્મ એવી પણ હતી જેણે વિશ્વસ્તરે બનાવેલો રેકોર્ડ આજ સુધીની અન્ય કોઈપણ ભારતીય ફિલ્મ નથી તોડી શકી, તો તમે માનશો? કદાચ નહીં માનો, પણ હકીકત છે કે એક હિન્દી ફિલ્મ એવી પણ હતી જેણે સર્જેલો અનોખો રેકોર્ડ આજ સુધી અતૂટ છે.
કઈ ફિલ્મ હતી એ?
બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ સફળતા મેળવનાર એ ફિલ્મ હતી 'કારવાં'. 1971માં રિલીઝ થયેલી જીતેન્દ્ર, આશા પારેખ, મહેમૂદ, અરુણા ઈરાની અને હેલન જેવા કલાકારો ધરાવતી એ ફિલ્મનું નિર્દેશન નાસિર હુસૈને કર્યું હતું અને નિર્માતા હતા આમિર ખાનના પિતા તાહિર હુસૈન. ફિલ્મનું સુપરહિટ સંગીત આપ્યું હતું આર.ડી.બર્મને. ફિલ્મના તમામ ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.
'કારવાં'એ આવો રેકોર્ડ બનાવ્યો હતો
'કારવાં' ભારતમાં રિલીઝ થતાં જ સુપરહિટ થઈ ગઈ હતી, પણ ભારત કરતાં વધુ સફળ એ વિદેશોમાં થઈ હતી. ખાસ કરીને ચીનમાં એણે ધૂમ મચાવી હતી. ચીનમાં મળેલી તોતિંગ સફળતાને પગલે જ આ ફિલ્મે સૌથી વધુ ટિકિટો વેચવાનો એક અભૂતપૂર્વ રેકોર્ડ સર્જ્યો હતો. જેને આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ તોડી શકી નથી.
કરોડો ટિકિટો વેચાઈ હતી
1971માં ભારતમાં રિલીઝ થયેલી ત્યારે 'કારવાં'ની 1.9 કરોડ ટિકિટો વેચાઈ હતી. આઠ વર્ષ પછી 1979માં 'કારવાં' ચીનમાં રિલીઝ થઈ અને ત્યાં તેની 8.8 કરોડ ટિકિટો વેચાઈ ગયેલી. ચીનમાં એ ફિલ્મે એટલી ધમાલ મચાવી હતી કે, ડિસ્ટ્રિબ્યુટરે ફિલ્મને થોડા સમય પછી ફરી રિલીઝ કરવી પડી. રી-રિલીઝમાં પણ ફિલ્મે રેકોર્ડતોડ સફળતા મેળવી. વિશ્વના અન્ય દેશોમાં પણ 'કારવાં' હિટ સાબિત થઈ હતી, જેને લીધે એ કુલ 30 કરોડ ટિકિટો વેચાવાનો રેકોર્ડ બનાવી શકી!
'શોલે' પણ નથી આંબી શકી
ભારતની સર્વકાલીન લોકપ્રિય ફિલ્મ એવી 'શોલે'ની વિશ્વભરમાં 25 કરોડ ટિકિટો વેચાઈ છે. આમ, શોલે જેવી શોલે પણ 'કારવાં'નો રેકોર્ડ તોડી નથી શકી. એ પછી આવેલી 'હમ આપકે હૈં કૌન' કે 'દંગલ', 'બાહુબલી', 'RRR' અને 'પુષ્પા 2' સહિતની કોઈ ભારતીય ફિલ્મની ટિકિટો આટલી મોટી માત્રામાં વેચાઈ નથી.
આ પણ વાંચો: હિન્દી તો લેડીઝની ભાષા: યુવરાજ સિંહના પિતાએ ઉડાવી મજાક તો મનોજ મુંતશિરે આપ્યો જવાબ
'કારવાં'ની બોક્સઓફિસ કમાણી કેટલી હતી?
દેશ-વિદેશમાં બોક્સઓફિસ પર સફળતાના વાવટા લહેરાવનારી 'કારવાં'ની કમાણીના આંકડાં ચોંકાવનારા છે. ફિલ્મે 1971 માં ભારતમાં 3.6 કરોડની રોકડી કરી હતી અને રી-રિલીઝ સહિત દુનિયાભરમાં કરેલું કુલ કલેક્શન હતું 35.3 કરોડ રૂપિયા! એ જમાનો સોંઘવારીનો હતો, ટિકિટોનો ભાવ સાવ ઓછો રહેતો એટલે વર્ષ 2023ના ફુગાવાને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો 'કારવાં'ની આજ સુધીની કમાણી થવા જાય છે 19.19 અબજ રૂપિયા! પૂરા 1919 કરોડ!! છે ને ચકિત થઈ જવા એવો આંકડો? શરૂઆતથી અંત સુધી મનોરંજક એવી આ મ્યુઝિકલ બ્લોકબસ્ટર 'કારવાં' તમે ન જોઈ હોય તો જોવા જેવી ખરી.