શોભિતા અને નાગા ચૈતન્યની કંકોતરી વાયરલ થઈ ગઈ
- ચોથી તારીખે હૈદરાબાદના સ્ટુડિયોમાં લગ્ન
- કંકોતરી સાથે નાસ્તાની ચીજો, રેશમી વસ્ત્ર અને ફૂલો પણ મોકલાયાં
મુંબઈ: નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાનાં લગ્નની કંકોતરી વાયરલ થઈ છે. લોકો એકદમ સાદી પણ ક્લાસિક કંકોતરીની પ્રશંસા કરી રહ્યા છે.
કંકોતરી એક સ્ક્રોલના સ્વરુપમા છે. તેની સાથે રેશમી વસ્ત્ર, ફૂલો તથા કેટલીક નાસ્તાની ચીજો પણ છે. કંકોતરી પર મંદિર, દીવા, ગાય અને નંદીનાં ચિત્રો સુશોભિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વર અને વધૂ બંનેના પરિવારની વિગતો પણ દર્શાવાઈ છે.
કંકોતરીમાં અપાયેલી વિગતો અનુસાર તેમનાં લગ્ન તા. ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થવાનાં છે. આ સ્ટુડિયો નાગા ચૈતન્યના પરિવારની માલિકીનો છે.
અગાઉ ચર્ચા હતી કે બંને રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનાં છે.
નાગા ચૈતન્યનાં આ બીજાં લગ્ન છે. અગાઉ તે સાઉથની હિરોઈન સામંથા રુથ પ્રભુને છૂટાછેડા આપી ચૂક્યો છે. છેલ્લાં બે વર્ષથી તેના અને શોભિતાના ડેટિંગની ચર્ચા ચાલુ હતી. આખરે થોડાં સપ્તાહો પહેલાં બંનેએ વિધિવત્ત સગાઈ કરી લીધી હતી.