શિઝાન ખાનની 14 દિવસની કસ્ટડી લંબાવાઈ, પરિવાર ટૂંક સમયમાં જામીન અરજી દાખલ કરશે
- પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા
મુંબઈ, તા. 31 ડિસેમ્બર 2022, શનિવાર
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા બાદ તેનો કોસ્ટાર શિઝાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આજે શિઝાનની પોલીસ કસ્ટડી પૂરી થઈ રહી છે. અગાઉ પોલીસે શિઝાનને વસઈ કોર્ટમાં હાજર કર્યો હતો. વસઈ કોર્ટે આરોપી શિઝાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ મામલે અત્યાર સુધી ઘણા મોટા ખુલાસા થયા છે. એવું પણ સામે આવ્યું છે કે, શિઝાન તુનિષાને માર મારતો હતો.
શિઝાનનો પરિવાર હવે આ કેસમાં ટૂંક સમયમાં જામીન અરજી દાખલ કરશે. આ અંગે પેપરવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે કોર્ટમાં હાજરી દરમિયાન, સરકારી પક્ષે કહ્યું કે, આરોપી શિઝાન તુનીષાને ઉર્દૂ શીખવી રહ્યો હતો અને સેટ પર તેને થપ્પડ મારી હતી. પૂછપરછ દરમિયાન તે પોતાનું ઈમેલ આઈડી અને અન્ય પાસવર્ડ જણાવતો નથી.
શિઝાનના વકીલે શું કહ્યું
આરોપી શિઝાનના વકીલે કહ્યું કે જ્યારે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે તો પછી કસ્ટડીની શું જરૂર છે. શિઝાન છેલ્લા 7 દિવસથી કસ્ટડીમાં હતો. શિઝાનના વકીલ શરદ રાયે કોર્ટમાં જતા પહેલા જણાવ્યું હતું કે, તેઓ આજે રિમાન્ડનો વિરોધ કરશે અને આજે તેને ન્યાયિક કસ્ટડી મળે તેવી અપેક્ષા છે.
આ મામલે ક્યાં સુધી પહોંચી તપાસ
પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શિઝાન તપાસમાં સહકાર આપી રહ્યો નથી. ચેટ અંગે તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ તે વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે. અગાઉ મુંબઈની વસઈ કોર્ટે શિઝાનના 4 દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા હતા. શિઝાનને 28 ડિસેમ્બરે પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. અગાઉ જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તે ઉઘાડપગું હતો અને હૂડીની મદદથી ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.
શિઝાન તુનિષાને માર મારતો હતો
છેલ્લા દિવસોમાં તુનિષાના માતા વનિતા શર્માએ કહ્યું હતુ કે, તે ત્યાં સુધી ચૂપ નહીં બેસીશ જ્યાં સુધી શિઝાનને સજા ન થાય. તુનિષાએ એક વખત ફોન ચેક કરતા જાણ્યું કે તે તેને ધોકો આપી રહ્યો છે. શિઝાને પૂછપરછ કરતા તેણે તેને થપ્પડ મારી દીધો હતો. તેમણે કહ્યું કે, મારી દીકરીને કોઈ બીમારી નહોતી. તેમણે કહ્યું કે, તેમણે તેમની દીકરીને ગુમાવી દીધી છે અને હવે તે એકદમ એકલી છે.