શિલ્પા શેટ્ટી કન્નડ ફિલ્મમાં ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવશે
- 18 વર્ષ પછી માતૃભાષામાં ફિલ્મ કરશે
- શિલ્પાના લૂક પર ચાહકો આફરીન જોકે, આલિયાના ગંગુબાઈના લૂકથી પ્રેરિત હોવાની કોમેન્ટસ
મુંબઇ : શિલ્પા શેટ્ટી એક કન્નડ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ ભજવવાની છે. 'કેડી, ધી ડેવિલ'નામની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં તે સત્યવતી નામનું પાત્ર ભજવવાની છે.
રેડ પોલકા ડોટની પ્રિન્ટ ધરાવતી વ્હાઈટ સાડી, સ્ટાઈલથી આગળ રાખેલા લાંબા ચોટલા અને ગોગલ્સ સાથેનો લૂક શિલ્પાએ શેર કરતાં ચાહકો આફરીન પોકારી ઉઠયા હતા. તેની આ પોસ્ટને જોતજોતામાં ગણતરીના કલાકોમાં જ દોઢ લાખથી વધુ લાઈક્સ મળી ગઈ હતી. બહેન શમિતા શેટ્ટી સહિત અન્ય હસ્તીઓએ પણ તેના આ અવતારને વખાણ્યો હતો.
જોકે, એક કારની આગળ છટાથી ઉભેલી શિલ્પાનો લૂક આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી પરથી પ્રેરિત હોવાની કોમેન્ટસ પણ કેટલાય ચાહકોએ કરી હતી.
શિલ્પા આ ફિલ્મમાં જાણીતા કન્નડ અભિનેતા ધુ્રવ સરજા સાથે દેખાવાની છે.