હદમાં રહો, પત્ની શિલ્પાનું નામ વચ્ચે ના લાવશો: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાએ તોડ્યું મૌન
Raj Kundra First Reaction After ED Raid: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં છે. પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. હવે EDની આ કાર્યવાહી બાદ રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આ બાબતે રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાજ કુન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અંગે એક પોસ્ટ શેર કરી છે, જેમાં રાજે કહ્યું છે કે, 'જેમને પણ ચિંતા થઇ રહી છે, તેમને કહેવાનું કે મીડિયામાં ડ્રામા બનાવવાની પ્રતિભા છે. ચાલો સત્ય બતાવીએ. છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી આ તપાસમાં હું સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું. જ્યાં સુધી સહયોગીઓના દાવાઓ, પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગનો સંબંધ છે, મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ પ્રકારની સનસનીખેજ બાબત સત્યને છુપાવી શકે નહીં. અંતે, ન્યાયનો વિજય નિશ્ચિત છે.'
રાજ કુન્દ્રાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, 'મીડિયા માટે એક નોંધઃ મારી પત્નીનું નામ અસંબંધિત બાબતોમાં વારંવાર ખેંચવું નહી. મહેરબાની કરીને તમારી હદમાં રહો.'
શિલ્પા શેટ્ટીના એડવોકેટે પણ પ્રતિક્રિયા આપી હતી
રાજ કુન્દ્રા પહેલા, શિલ્પા શેટ્ટીના એડવોકેટ પ્રશાંત પાટીલે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતુ કે, 'મીડિયામાં એવા અહેવાલો છે કે EDએ મારા ક્લાયન્ટ શિલ્પા શેટ્ટી કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ સમાચાર સાચા નથી. શિલ્પા શેટ્ટીને કોઈપણ પ્રકારના ગુના સાથે કોઈ લેવાદેવા નથી, આથી તેના પર EDના દરોડા પાડવામાં આવ્યા નથી. આ તપાસ રાજ કુન્દ્રા પર થઈ રહી છે અને તે સત્ય બહાર લાવવા માટે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.'
શિલ્પા શેટ્ટીના વકીલે આગળ અપીલ કરતા કહ્યું કે, 'ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને વિનંતી છે કે તેઓ શિલ્પા શેટ્ટીના વીડિયો, ફોટો અને નામનો ઉપયોગ કરવાનું ટાળે, કારણ કે તેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.'
શું છે સમગ્ર મામલો?
રાજ કુન્દ્રાની જૂન 2021માં અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે કુન્દ્રા આ કેસમાં મુખ્ય આરોપી હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે.