શાહરૂખની કિંગનું શૂટિંગ શરૂ થતાં પહેલાં જ દિગ્દર્શક બદલાયા
- સુજોય ઘોષના સ્થાને સિદ્ધાર્થ આનંદ ગોઠવાયો
- અગાઉ સિદ્ધાર્થ આનંદ ફક્ત ગાઈડ કરવાનો હતો : પઠાણની જોડી ફરી રીપિટ
મુંબઇ : શાહરુખ ખાનની તેની દીકરી સાથેની ફિલ્મ 'કિંગ'નું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ તેના દિગ્દર્શક બદલાઈ ગયા છે. આ ફિલ્મ માટે અગાઉ સુજોય ઘોષ દિગ્દર્શક તરીકે નક્કી કરાયો હતો પરંતુ તેને બદલે હવે સિદ્ધાર્થ આનંદને જવાબદારી સોંપાઈ છે. શાહરુખની 'પઠાણ'નો દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ હતો. સિદ્ધાર્થની એક્શન ફિલ્મોના દિગ્દર્શનમાં માસ્ટરી ગણાય છે. અગાઉ સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મમાં એક્શન દ્રશ્યો માટે ગાઈડ તરીકે નક્કી થયો જ હતો પરંતુ હવે તેણે સમગ્ર દિગ્દર્શનનો દોર પોતાના હાથમાં લઈ લીધો છે.
ફિલ્મમાં આ બીજો મોટો ફેરફાર છે. અગાઉ આ ફિલ્મની સ્ટોરી એ રીતે વિચારાઈ હતી કે સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં હોય અને શાહરુખ માત્ર એક સુદીર્ઘ કેમિયોમાં જ દેખાય. જોકે બાદમાં શાહરુખે દીકરીની મોટા પડદા પરની ફિલ્મને સફળ બનાવવા માટે પોતે મુખ્ય ભૂમિકા કરવાનું નક્કી કર્યું હતું.
આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ મહત્વના રોલમાં છે. શાહરૂખની આ ફિલ્મની તૈયારી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે.આ ફિલ્મમાંઆંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટંટ દિગ્દર્શકોની સાથે પાથ-બ્રેકિંગ એકશન સીકવન્સ પણ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે.