મારો સાથ છોડયા પછી શાહરૂખને એકેય સારું ગીત નથી મળ્યું : અભિજીત
- શાહરૂખને પીઠ પાછળ બધા કલાકારો હકલો જ કહેતા હતા
- સલમાનનું તો લેવલ જ નથી કે હું તેના વિશે વાત કરું, મારા અને શાહરૂખના સંબંધ પતિ-પત્ની જેવા
મુંબઈ: સિંગર અભિજિત ભટ્ટાચાર્યએ ફરી એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાન માટેની ભડાસ ઠાલવી છે. તેણે કહ્યું છે કે મેં શાહરુખ ખાન માટે ગાવાનું બંધ કર્યું ત્યારથી આટલાં વર્ષોમાં શાહરુખને એકેય સારું યાદગાર કહી શકાય તેવું ગીત જ મળ્યું નથી. એક પોડકાસ્ટમાં તેણે કહ્યું હતું કે શાહરુખને તેના સાથી કલાકારો પણ પીઠ પાછળ હકલો (તોતડો) જ કહેતા હતા. તેઓ મને કહેતા હતા કે પેલા હકલા માટે તું કેમ ગીતો ગાય છે. તેઓ તેને ત્યારે બહુ મોટો સ્ટાર ગણતા જ ન હતા.
અભિજિતે શાહરુખ સાથે પેચ અપની ઈચ્છ પ્રગટ કરતાં કહ્યુ ંહતું કે અમારા સંબંધ પતિ -પત્ની જેવા હતા. પતિ-પત્નીમાં પણ તકરાર તો થતી જ હોય છે. હું તેના કરતાં મોટો છું. તેણે સામે ચાલીને મળીને મારી માફી માગવી જોઈએ. તો હું પણ પેચ અપ કરવા તૈયાર છું. આ પોડકાસ્ટમાં તેને સલમાન ખાન વિશે પૂછવામાં આવતાં તેણે જવાબ આપી દીધો હતો કે સલમાનનું એ લેવલ જ નથી કે હું તેના વિશે કોઈ વાત કરું.
ઉલ્લેખનીય છે કે ૯૦ના દાયકામાં અભિજીત ભટ્ટાચાર્યએ શાહરુખ માટે અનેક યાદગાર ગીતો ગાયાં હતાં.
તાજેતરમાં લિપા દુઆના કોન્સર્ટમાં એક ગીત માટે શાહરુખને ક્રેડિટ અપાઈ ત્યારે પણ અભિજીત એમ કહીને ભડક્યો હતો કે આ ગીત શાહરુખ પર ભલે ફિલ્માવાયું પણ ગાયું તો મેં છે.