શોલેના કેટલાંય દ્રશ્યો મેં અને અમજદે ડિરેક્ટ કર્યા હતાઃ સચિન
- રમેશ સિપ્પીએ આખી શોલેનું દિગ્દર્શન નથી કર્યું
- રમેશ સિપ્પી તો અમિતાભ, ધર્મેન્દ્ર, સંજીવ કુમારના સીન વખતે જ આવતા હતા
મુંબઈ : પીઢ અભિનેતા સચિન પીલગાંવકરે દાવો કર્યો છે કે આખી 'શોલે'નું દિગ્દર્શન રમેશ સિપ્પીએ ન હતું કર્યું અને તેનાં કેટલાંય દ્રશ્યો તો પોતે અને અમજદ ખાને ફિલ્માવ્યાં હતાં.
સચિને એક યુ ટયુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રમેશ સિપ્પીએ જ નક્કી કર્યું હતું કે જ એક્શન દ્રશ્યોમાં મુખ્ય કલાાકરો ન હોય તેનાં ફિલ્માંકન માટે એક બીજું યુનિટ બનાવવામાં આવે. આ બધાં ગૌણ દ્રશ્યો હતાં. આ માટે તેમણે સ્ટન્ટ ફિલ્મ્સના એક ડિરેક્ટર મોહમ્મદ અલી ભાઈ તથા એક્શન ડિરેક્ટર અઝીમ ભાઈને કામ સોંપ્યું હતું. અઝીમ ભાઈ હોલીવૂડના બે સ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ જિમ અને જેરીને પણ લાવ્યા હતા. બહારથી આવેલા લોકોને આ ફિલ્મ શું છે અને શું થઈ રહ્યું છે તે સમજાવવા અને સમગ્ર ફિલ્માંકન પર નજર રાખવા માટે બે લોકોની જરુર હતી. તે વખતે હું અને અમજદખાન સૌથી બેકાર હતા એટલે આ કામ અમને સોંપવામાં આવ્યું હતું.
રમેશ સિપ્પી તો ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને સંજીવ કુમારના સીન્સ હોય ત્યારે જ આવતા હતા અને બાકીનાં દ્રશ્યોનું કામ તેમણે અમારા પર છોડી દીધું હતું
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સચિને અહમદનો નાનકડો રોલ કર્યો હતો. વર્ષો જતાં સચિને હિંદીમાં કેટલીય નોંધપાત્ર ભૂમિકાઓ કરી અને મરાઠી ફિલ્મોમાં તો તેણે સુપરસ્ટારનો દરજ્જો ભોગવ્યો છે.