ફિલ્મ સિંઘમની એકટ્રેસનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર
Image: Twitter
Suhasini Deshpande: મંગળવારનો દિવસ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ દુઃખદ દિવસ હતો. આ દિવસે એટલે કે 27મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમા જગતના બે પ્રખ્યાત કલાકારોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી બિજલી રમેશ બાદ હવે 'સિંઘમ' ફેમ અભિનેત્રી સુહાસિની દેશપાંડેનું પણ નિધન થયું છે. સુહાસિનીએ 81 વર્ષની વયે પોતાના પુણેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
હિન્દી ફિલ્મોની સાથે સુહાસિની મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા સક્રિય હતા. સુહાસિની દેશપાંડેએ પોતાના જીવનના 70 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યા. પોતાની 70 વર્ષની કારકિર્દીમાં સુહાસિની દેશપાંડેએ 100થી વધુ ફિલ્મો કરી છે પરંતુ અજય દેવગનની 'સિંઘમ' આખરે તેમની કારકિર્દીની છેલ્લી હિન્દી ફિલ્મ સાબિત થઈ.
12 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી
એકટ્રેસે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ નાટક અને સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સુહાસિનીએ 'સંઘર્ષ ઝિંદગી કા' (2001), 'કડકલક્ષ્મી' (1980), 'અગ્નિપરીક્ષા' (2006) જેવી ઘણી હિટ મરાઠી ફિલ્મો દ્વારા પોતાની અભિનય પ્રતિભાને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી. સુહાસિનીના નિધનથી તેમના ફેંન્સ અને પરિવારના લોકોને ખૂબ જ દુઃખ થયું છે અને લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
હિન્દી સિનેમામાં પણ કામ કર્યું
સુહાસિનીએ હિન્દી સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા ફેલાવી હતી. તેમણે 2011ની સુપરહિટ ફિલ્મ 'સિંઘમ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે કાજલ અગ્રવાલની દાદીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની હતી અને તે હિન્દી સિનેમામાં સુહાસિનીની છેલ્લી ફિલ્મ સાબિત થઈ હતી.