દાદા સાહેબ પુરસ્કાર માટે અભિનેત્રી વહિદા રહેમાનની પસંદગી, ૧૯૫૬માં રિલિઝ થયેલી સીઆઇડી પ્રથમ ફિલ્મ હતી
ગુરુદત્ત અને વહિદા રહેમાનની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો
ગાઇડ, સાહેબ બીબી ઔર ગુલામ, કાગજ કે ફૂલ અને પ્યાસા જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય
નવી દિલ્હી,૨૬ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર .
બોલીવુડના વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી વહિદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટા પસંદગી થઇ છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ૫૩માં દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત થતા વહિદા રહેમાનના ચાહકોમાં ખૂશી જોવા મળી રહી છે. ગત વર્ષ આશા પારેખ અને આ વર્ષે વહિદા રહેમાનને ભારતના સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર મળી રહયો છે.
બોલીવુડમાં એક સમય હતો કે અભિનેત્રીઓ ફિલ્મોમાં અભિનેતાઓની સહાયક જેવી ભૂમિકામાં રહેતી હતી. અભિનેત્રીઓને ગ્લમેરસ પ્રકારના ચોકકસ અભિનયમાં જ સેટ કરવામાં આવતી. ફિલ્મોમાં અભિનેતા જ છવાઇ જતા હતા. આવા સમયે વહિદા રહેમાને હિંદી ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યુ હતું. ગાઇડ, સાહેબ બીબી ઔર ગુલામ, કાગજ કે ફૂલ અને પ્યાસા જેવી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા હતા.
વહિદા રહેમાનને પધ્મ શ્રી અને પધ્મભૂષણ એમ બે નાગરિક સન્માન મળેલા છે. રેશ્મા અને શેરા ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. ૧૯૬૫માં દેવાનંદની યાદગાર ફિલ્મ ગાઇડને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ૩ ફેબ્રુઆરી ૧૯૩૮માં ચેન્નાઇ ખાતે વહિદા રહેમાનનો જ્ન્મ થયો હતો.
૧૯૫૫માં ૧૭ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પદાર્પણ કર્યુ હતું. ૧૯૫૬માં હિંદી ફિલ્મ સીઆઇડી તેમની પ્રથમ ફિલ્મ હતી જેમાં અભિનેતા ગુરુદત્ત હતા.ગુરુદત્ત અને વહિદા રહેમાનની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો જેમાં પ્યાસા અને સાહેબ બીબી ઓર ગુલામનો પણ સમાવેશ થાય છે. ગુરુદત્ત અને વહિદાના કથિત પ્રેમ પ્રકરણે ચર્ચા જગાવી હતી.
૧૦ ઓકટોબર ૧૯૬૪ના રોજ ગુરુદત્તે આત્મહત્યા કરી લેતા તે આઘાતમાં સરી પડી હતી. જીવનના નાજૂક તબક્કામાં પણ હાર માની ન હતી. ૧૯૬૫માં દેવાનંદ સાથે મશહૂર ગાઇડ ફિલ્મમાં યાદગાર અભિનય કર્યો હતો. ૧૯૭૪માં ફિલ્મ અભિનેતા શશિ રેખી સાથે લગ્ન કર્યા હતા.એ સમયે વહિદા રહેમાનની ફિલ્મ કારર્કિદી ખૂબ ઉંચાઇ પર હતી.
વર્ષ ૨૦૦૦માં પતિનું અવસાન થયા પછી જીવનના ખાલિપાને ફરી અભિનયથી ભરવા પ્રયાસ કર્યો હતો. ફિલ્મ વોટર, રંગ દે બસંતી અને દિલ્હી ૬ જેવી નવા જમાનાની ફિલ્મોમાં અભિનય કરીને ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૧૩માં ફિલ્મ ફેરના લાઇફ ટાઇમ અચિવમેન્ટથી સન્માનિત કરવામાં આવી હતી. તેમના બે સંતાનો ના નામ સોહિલ રેખવી અને કાસ્વી રેખી છે. વિતેલા જમાનાની અભિનેત્રી વહિદા રહેમાનને કેટલાક બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી ગણે છે.